સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને થાન તાલુકામાં ખનીજ ચોરીને લઇને દરોડા પડયા

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને થાન તાલુકામાં ખનીજ ચોરીને લઇને દરોડા પડયા 1 - image


- વધુ એક ખનીજ ચોરીની ફરિયાદ

- થાનના વેલાળામાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા વાહનો સહીત 15 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના થાન અને ધ્રાંગધ્રા તાલુકામાં મોટા પાયે ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાની ફરીયાદો ઉઠતા સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગની ટીમ દ્વારા થાનના વેલાળા અને ધ્રાંગધ્રા તાલુકાના ધૃ્રમઠ ગામ નજીક દરોડો કર્યો હતો જેમાં બન્ને જગ્યાએથી જેસીબી, લોડર ટ્રેક્ટર, ચરખી  સહીતના સાધનો સાથેનો મુદ્દામાલ કબજે કરી સીઝ કરવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના પેટાળમાં રેતી, કાર્બોસેલ, માટી તેમજ પથ્થર સહીતની ખનીજ સંપત્તિનો વિપુલ ભંડાર આવેલો છે ત્યારે ખનીજ માફીયાઓ દ્વારા ધરતીનું પેટાળ ચીરી મોટા પાયે ખનીજ સંપત્તિનું ગેરકાયદેસર ખનન અને વહન કરી સરકારી તીજોરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવતુ હોવાની ફરીયાદો ઉઠી રહી છે અને ખાણખનીજ વિભાગ પણ જાણે આંખ આંડા કાન કરી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. થાન તાલુકાના વેલાળા ગામની સીમમાં આવેલ વીડ વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરવામાં આવતુ હોવાની ફરીયાદો ઉઠતા અંતે ખાણખનીજ વિભાગની ટીમે આળસ ખંખેરીને દરોડો કર્યો હતો જેમાં ગેરકાયદેસર કાર્બોસેલના ખનન કરવા માટે ખોદેલા કુવા પરથી ૪ ચરખી મશીન, લોખંડના પાઇપ, ૧ લોડર, બે ટ્રેક્ટર સહીત કુલ રૂપિયા ૧૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે બીજો દરોડો ધ્રાંગધ્રા તાલુકાના ધુ્રમઠ ગામ નજીક કરવામાં આવ્યો હતો જેમાં સાદી રેતીનું ગેરકાયદેસર ખનન ઝડપી પાડવામાં આવ્યું હતુ. તેમજ જે જગ્યાએ ખનન કરવામાં આવી રહ્યું હતું ત્યાંથી ૧ લોડર, ૧ જેસીબી, ૧ ટ્રેક્ટર અને બે મેટ્રિક ટન સાદી રેતી સહીતનો મુદ્દામાલ ખાણખનીજ વિભાગની ટીમે ઝડપી લઇ તમામ મુદ્દામાલ સીઝ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ધુ્રમઠમાં સ્થાનિક તંત્રની મીઠી નજર હેઠળ મોટા પાયે રેતીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવતુ હતુ ત્યારે આ ગેરકાયદેસર ખનન અટકાવવા છેક ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરીયાદ બાદ સફાળ જાગેલા ખાણખનીજ વિભાગે દરોડો કરતા સ્થાનિક તંત્ર તેમજ ખાણખનીજ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.

ખાણખનીજ વિભાગની ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી કોઇ પણ જગ્યાએ દરોડો કરવામાં આવે તો લાખો રૂપિયાની ખનીજ ચોરી તેમજ સાધનો ઝડપી પાડવામાં આવે છે પરંતુ ખનીજ ચોરી કરનાર ભુમાફીયા ઝડપાતાં નથી  તેમજ દરોડા બાદ પણ કોના દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી કરવામાં આવતી હતી તે અંગે તપાસ કરવાના બદલે માત્ર મુદ્દામાલ સીઝ કરવામાં આવતા ખાણખનીજ વિભાગની ટીમની કામગીરી પણ શંકાના સવાલોમાં ઘેરાય છે.



Google NewsGoogle News