સુરેન્દ્રનગર ખાતે બંધ રેશનકાર્ડ શરૂ કરાવવા કાર્ડધારકોની કતારો લાગી

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર ખાતે બંધ રેશનકાર્ડ શરૂ કરાવવા કાર્ડધારકોની કતારો લાગી 1 - image


- રેશનકાર્ડધરકોને ધક્કો ખાઈ પરત ફરવાનો વારો આવ્યો

- દર મહિનાની 15 તારીખે જ માત્ર 50 ફોર્મ વિતરણ થતા રોષ

સુરેન્દ્રનગર : રાજ્ય સરકાર દ્વારા એક તરફ ગરીબ તેમજ મધ્યમવર્ગના પરિવારોને રેશનકાર્ડ પર અનાજ સહિતનો મળવા પાત્ર જથ્થો વિનામુલ્યે આપવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ સુરેન્દ્રનગર જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા બંધ રેશનકાર્ડ  ફરી શરૂ કરાવવા માટેનું મર્યાદીત સંખ્યામાં ફોર્મ વિતરણ કરવામાં આવતાં અનેક અરજદારોને ધક્કો ખાવાનો વારો આવતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં સરકારના નિયમ મુજબ કુલ વસ્તીના ૪૮% વસ્તીને જ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાના લાભ હેઠળ આવરી લેવામાં આવેલ હોય અનેક રેશનકાર્ડ પર મળવાપાત્ર અનાજનો જથ્થો બંધ થઈ જતા છેલ્લા ઘણા સમયથી અનાજના જથ્થાથી વંચીત રેશનકાર્ડધારકો ફરી રેશનકાર્ડ નિયમ મુજબ શરૂ કરાવવા માટે રાહ જોઈ રહ્યાં હતા તેવી સ્થિતિમાં તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા દર મહીનાની ૧૫ તારીખે બંધ રેશનકાર્ડ ફરી શરૂ કરાવવા માટે જરૂરી ફોર્મનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છ.

 જેના ભાગરૂપે જીલ્લા કલેકટર કચેરી ખાતે આવેલ જન સેવા કેન્દ્રમાં સવારથી જ અરજદારોની રેશનકાર્ડ શરૂ કરાવવા માટે લાંબી કતારો લાગી હતી પરંતુ ફરજ પરના નાયબ મામલતદાર અને સ્ટાફ દ્વારા પુરવઠા અધિકારીની સુચના મુજબ માત્ર ૫૦ જ ફોર્મ એક દિવસ દર મહિનાની ૧૫ તારીખે વિતરણ કરવાની સુચનાના ભાગરૂપે ફોર્મ આપતા અન્ય અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો અને આ મુદ્દે સેવા કેન્દ્ર ખાતે હોબાળો મચાવ્યો હતો .

અને દરેક અરજદારોને ધક્કો ખાયા વગર ફોર્મ મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર દ્વારા રેશનકાર્ડ પર નિઃશુલ્ક અનાજ આપવાની જાહેરાતો કરવામાં આવે છે ત્યારે સ્થાનીક તંત્રની બેદરકારીના કારણે રેશનકાર્ડધારકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.



Google NewsGoogle News