લખતરમાં ઝઘડા અને કેસની અદાવતમાં શખ્સનું અપહરણ
શખ્સને પમ્પિંગ સ્ટેશન પાસે ધારિયાથી માર માર્યો ત્રણ વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
સુરેન્દ્રનગર: લખતર ખાતે અગાઉ થયેલા ઝધડો અને પોલીસ કેસ બાબતનું મનદુઃખ રાખી એક શખ્સને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. તેમજ શખ્સને મારમાર્યો હતો. ભોગ બનનાર શખ્સે ત્રણ વ્યક્તિ સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
લખતરના જુના વણકરવાસ વિસ્તારમાં રહેતા ફરિયાદી અમીતભાઈ ઉર્ફે ગુગો પ્રવિણભાઈ સોલંકીને ૬ મહિના પહેલા ગામમાં રહેતા કૌટુંબીક ભાઈઓ નરેન્દ્રભાઈ નાનજીભાઈ સોલંકી સાથે ઝઘડો થયો હતો અને તે અંગે લખતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ઝઘડા બાદ ફરિયાદી અને તેમના ભાઈ છેલ્લા ચાર મહિનાથી અંજાર રહેવા લાગ્યા હતા જે દરમિયાન અગાઉ થયેલા ઝઘડાનો કેસ લખતર કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી ફરિયાદી અમીતભાઈ કેસની મુદ્દત માટે લખતર આવ્યા હતા અને મુદ્દત પૂર્ણ થયા બાદ પરત વિરમગામથી ટ્રેન મારફતે અંજાર જવા નીકળ્યા હતા. રસ્તામાં લખતર પેટ્રોલ પંપ પાસે બસની રાહ જોઈ ઉભા હતા ત્યારે અગાઉના ઝઘડાનું અને પોલીસ કેસનું મનદુઃખ રાખી નરેન્દ્રભાઈ નાનજીભાઈ સોલંકી, ચેતનભાઈ ધનાભાઈ બારોટ (બંને રહે.લખતર) અને એક અજાણ્યા શખ્સ સહિતનાઓએ કારમાં આવી ફરિયાદીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી કેસરીયા પાસે આવેલા પંમ્પીંગ સ્ટેશન નજીક લઈ ગયા હતા. આરોપીઓએ ધારીયાના ઉંધા ઘા ઝીંકી શખ્સના હાથે અને પગે ગંભીર ઈજા કરી હતો અને નાસી છુટયા હતા. આ અંગે ફરિયાદીએ લખતર પોલીસ મથકે મારમાર્યાની તેમજ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.