મુળી- થાન તાલુકાના પાણી આપવાની માગ સાથે કચેરીમાં ખેડૂતોનો ખો-ખોની રમત રમી વિરોધ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત છે અને મુખ્યત્વે ખેડૂતો નર્મદાની કેનાલ અથવા સૌની યોજના દ્વારા સિંચાઇ માટે પાણી લઈ વાવેતર કરે છે પરંતુ જિલ્લાના મૂળી અને થાન સહિતના તાલુકાના અંદાજે ૨૦થી વધુ ગામોમાં ખેડૂતોને સૌની યોજના હેઠળ આપવામાં આવતું સિંચાઈ માટેનુ પાણી અચાનક બંધ કરી દેતા મોટી સંખ્યામાં ખેડૂતોએ સુરેન્દ્રનગર ખાતે સિંચાઈ વિભાગની કચેરીએ ઉગ્ર રજૂઆતો કરી હતી અને કેનાલ દ્વારા પાણી આપવાની માંગ કરી હતી અને કચેરીના કંપાઉન્ડમાં ખેડૂતોએ ખો- ખોરની રમત રમી વિરોધ વ્યક્ત કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી અને થાન તાલુકાના મોટા ભાગના ગામોને સૌની યોજના હેઠળ સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે અને ખેડૂતો આ પાણી દ્વારા સીઝન મુજબ પાકોનું વાવેતર કરે છે. સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે દોઢ મહિના પહેલા મુળી તાલુકાના દુધઈ રામપરડાની સીમમાં આવેલી સૌની યોજનાનો વાલ્વ ખોલી દુધઈ, સડલા, ખાટડી, ગઢડા, ટીકર, સુજાનગઢ, ખમ્પાળીયા સહિતના અનેક ગામોના ખેડૂતો તેમજ થાનના તરણેતર ડેમમાં આવેલા વાલ્વ ખોલી રાણીપાટ, વરમાધાર, નાડધ્રી, ભેટ, રામપર સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું હતું.
જેથી ખેડૂતોએ હજારો હેકટર જમીનમાં વરિયાળી, જીરું, એરંડા, ઇસબગુલ જેવા રવી પાકોનું મોટા પાયે વાવેતર કર્યું છે. પરંતુ ખેડૂતોએ વાવેતર કર્યા બાદ અચાનક સિંચાઈ વિભાગ દ્વારા પાણી બંધ કરી દેતા ખેડૂતોને સિંચાઇ માટે પાણી નહિ મળતા મોટાપાયે નુકશાન થઇ રહ્યુ છે. જે અંગે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને તંત્ર દ્વારા પાણી આપવાની માંગ કરી રહ્યા છે.
જ્યારે સિંચાઈ માટે તંત્ર દ્વારા પાણી બંધ કરાયા બાદ શરૂઆતમાં તંત્ર દ્વારા ખેડૂતોને કુદરતી વહેણનુ રીપેરિંગ કામ અને ગટરોની સફાઈ કર્યા બાદ ખેડૂતોને પાણી આપવામાં આવશે તેમ જણાવતા ખેડૂતોએ સ્વખર્ચે અંદાજે ૩ લાખ ખર્ચ કરી રીપેરિંગ કામ પણ કરાવી નાખ્યું છે. પરંતુ ત્યારબાદ પણ તંત્ર દ્વારા સૌની યોજના હેઠળ પાણી આપવામાં નહિ આવતા અંદાજે ૨૦ થી વધુ ગામોના ખેડૂતોની હાલત કફોડી બની છે અને સિંચાઈ માટે પાણી નહિ મળતા શિયાળુ પાકને નુકશાન થઈ રહ્યું છે.
ત્યારે અનેક વખત સૌની યોજનાના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પાણી આપવામાં ન આવતા ખેડુતો સુરેન્દ્રનગર બહુમાળી ભવન ખાતે આવેલી સિંચાઈ વિભાગની કચેરી ખાતે એકત્ર થયાં હતાં અને સિંચાઈ માટે પાણી આપવાની માંગ સાથે સરકાર અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ અલગ અલગ બેનરો સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.
તેમજ કચેરીના કંપાઉન્ડમાં નીચેના વર્ગથી લઇ ઉપરના વર્ગ સુધીના અધિકારીઓ ખેડૂતોની માંગો પુરી નહિ કરી ખો આપતા હોવાનો આક્ષેપ કરી ખેડૂતો દ્વારા અલગ અલગ વર્ગના અધિકારીઓના પોસ્ટર શરીર પર લગાવી પ્રતીકરૂપે ખો ખો ની રમત રમી વિરોધ કર્યો હતો અને સિંચાઈ માટે પાણી આપવાની ઉગ્ર માંગ કરી હતી.
તેમજ આગામી દિવસોમાં જો પાણી નહિ આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.