લોનની ભરપાઈ ન કરનાર વઢવાણના ઉદ્યોગપતિની મિલકતો સીલ કરાઈ

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
લોનની ભરપાઈ ન કરનાર વઢવાણના ઉદ્યોગપતિની મિલકતો સીલ કરાઈ 1 - image


- આગામી સમયમાં આ મિલકતોની હરાજી કરાશે 

-  25 લોકોએ ભાગીદારી પેઢી શરૂ કરી બેન્કમાંથી કરોડોની લોન લીધી હતી

સુરેન્દ્રનગર : વઢવાણના ૮૦ ફુટ રોડ પર રહેતા ઉદ્યોગપતિએ ભાગીદારી પેઢી માટે બેન્ક ઓફ બરોડામાંથી લોન લીધી હતી. આ લોનની રકમ વ્યાજ સહિત રૂા.૧૭.૨૬ કરોડ થઈ ગઈ હતી. જે અંગે કોર્ટ કાર્યવાહી બાદ બેન્કના અધિકારીઓએ ઉદ્યોગપતિનું ઘર અને ઓફીસ, દુકાન સહિતનાઓમાં તાજેતરમાં સીલ માર્યું છે.

સુરેન્દ્રનગરના વઢવાણમાં ૮૦ ફુટ રોડ પર આવેલી નવરંગ સોસાયટીમાં ઉદ્યોગપતિ અને બિલ્ડર હિતેશ ભગવાનભાઈ નાયકપરા (બજરંગ) સહિત ૨૫ ભાગીદારોએ રોસાટા વર્ટીફાઈડ પ્રા.લી. નામની ફેકટરી શરૂ કરી હતી. 

જેના માટે બેન્ક ઓફ બરોડામાંથી કરોડો રૂપિયાની લોન લીધી હતી. લોન લીધા બાદ હપ્તા ભરપાઈ ન થતાં બેન્કના અધિકરીઓએ અનેકવાર નોટીસો આપી હતી અને અંતે સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ કર્યો હતો. 

જેમાં કોર્ટે મિલકતનું પઝેશન લઈ હરાજીનો હુકમ કર્યો હતો. આથી કોર્ટના કર્મચારીઓ અને બેન્કના અધિકારીઓએ હિતેશ નાયકપરાની આર્ટસ કોલેજ સામે બ્રહ્માનંદ ચેમ્બર્સમાં આવેલી ઓફીસ, ૮૦ ફુટ રોડ પર આવેલું મકાન અને મુળચંદ રોડ પર કોમ્પલેક્ષમાં આવેલી ચાર દુકાનને સીલ માર્યા છે. આ અંગે બેન્કના અધિકારીઓએ જણાવ્યું કે આગામી સમયમાં આ સીલ કરેલ મિલકતોની હરાજી કરવામાં આવશે અને બેન્કના બાકી નાણા વસુલાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હિતેશ નાયકપરા ગત વિધાનસભા ચુંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડયા હતાં.


Google NewsGoogle News