વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન સુરક્ષા અને ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે પગલાં લેવાયા

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન સુરક્ષા અને ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે પગલાં લેવાયા 1 - image


સુરેન્દ્રનગરમાં ભારે વાહનો માટે ડાઈવર્ઝન અંગે જાહેરનામું

સુરેન્દ્રનગર :  સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં પ્રચાર સંદર્ભે આગામી તા.૨ મે ને ગુરૃવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે રાજકોટ રોડ પર ત્રિમંદીર સામે આવેલા ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભા યોજાનાર છે. જે દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને આકસ્મીક બનાવો ન બને તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૃપે ટ્રક, ડમ્પર, (એસ.ટી. સિવાયના) ભારે વાહનો માટે ડાયવર્ઝન માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

જે મુજબ આગામી તા.૨ મે ના રોજ સવારે ૭-૦૦ વાગ્યાથી બપોરના ૩-૦૦ વાગ્યા સુધી ધ્રાંગધ્રા-માલવણ સુરેન્દ્રનગર તરફથી આવતા અને મુળી તરફ જતા ટ્રકો અને ડમ્પરોને બહુચર હોટેલથી કુંથુનાથ દેરાસર ઓવરબ્રિજથી ૮૦ ફૂટ રોડથી ભક્તિનંદન સર્કલથી ઉપાસના સર્કલથી ગણપતિ ફાટકથી માળોદ ચાર રસ્તાથી ખોલડીયાદ થઈ નેશનલ હાઈવે થઈ મુળી તરફ જવાનું રહેશે. 

તેમજ લખતર તરફથી મુળી તરફ જતા ભારે વાહનોએ ગેબનશાપીર સર્કલથી ધોળીપોળ, વડ પાસે ધરમ તળાવ, વાઘેલા રોડ ફાટક, વાઘેલા ગામ થઈ નેશનલ હાઈવે પરથી મુળી તરફ જવાનું રહેશે. સુરેન્દ્રનગર થી મુળી તરફ જતા ભારે વાહનોએ રિવરફ્રન્ટ, આર્ટ્સ કોલેજ થઈ ઉપાસના સર્કલથી ગણપતિ ફાટસર થઈ માળોદ ચોકડીથી ખોલડિયાદ થઈ મુળી તરફ જવાનું રહેશે અને મુળી-થાનગઢ તરફથી સુરેન્દ્રનગર તરફ આવતા ભારે વાહનોએ સાયલા, ફુલગ્રામ, વડોદ, વાઘેલા વઢવાણ થઈ સુરેન્દ્રનગર તરફ આવવાનું રહેશે. 

આ જાહેરનામું એસ.ટી.બસોને તેમજ જાહેર સેવા સાથે સંકળાયેલા અને ફરજ પરના વાહનો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ નહિં પડે અને તેના ભંગ બદલ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.



Google NewsGoogle News