સ્વીમિંગ પુલના નવિનીકરણની કામગીરી ગોકળગતિએ ચાલતા રજૂઆત
- સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા સંચાલિત
- બે વર્ષથી ચાલી રહેલું કામ સત્વરે પુરુ કરવા પાલિકામાં લેખિત માંગણી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા સંચાલિત સ્વીમીંગ પુલના નવિનીકરણની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે. જે મામલે સુરેન્દ્રનગર સ્વીમર એસોશીએસન દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી સ્વીમીંગ પુલની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી.
સુરેન્દ્રનગર પાલિકા દ્વારા મેધાણી બાગ રોડ પર આવેલું સ્વીમીંગ પુલ જર્જરીત થઈ જતા તેને પાડી હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. આ જગ્યા પર છેલ્લા બે-અઢી વર્ષથી પાલિકા તંત્ર દ્વારા કરોડોના ખર્ચે નવો સ્વીમીંગ પુલ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ આ કામગીરી ખુબ જ મંદગતિએ થતી હોવાથી પ્રજાજનોને સ્વીમીંગ પુલની સગવડતા મળતી ન હોવાની રજૂઆત કરાઈ હતી.
આ અંગે છ મહીના અગાઉ મૌખિક રજૂઆત કર્યા છતાં કાર્યવાહી કરવામાં ના આવી હોવાનું સુરેન્દ્રનગર સ્વીમર એસોસીએશન દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું. તેમજ સત્વરે કામ પુરુ કરી શહેરીજનો માટે સ્વીમિંગ પુલ ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ કરી હતી.
જ્યારે પાલિકાના સત્તાધીશોએ, હાલ કામગીરી ચાલી રહી છે. તે ઝડપથી પૂર્ણ કર્યા બાદ આધુનિક સુવિધાઓ સાથેનો નવો સ્વીમીંગ પુલ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.