કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને ત્રણ મહિનાનો પગાર ન ચૂકવાતા રજૂઆત
- સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં ફરજ બજાવતા
- કોન્ટ્રાક્ટર અમીત દુલેરાએ પગાર ચુકવવાની ના પાડી : કલેકટર, શ્રમ આયુક્તમાં રાવ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ચુકવવામાં ન આવતા ઘણા સમયથી પ્રતિક ધરણા પર બેઠા છે. પડતર માંગણીને લઇ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં સફાઇ કામદારોએ જિલ્લા કલેકટર તેમજ શ્રમ આયુક્ત કચેરીને લેખીત રજુઆત કરી હતી.
સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં ૩૦૦થી વધુ રોજમદાર સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટર અમીત દુલેરા દ્વારા ત્રણ મહિાનો બાકીનો પગાર ચુકવવામાં આવ્યો નથી. સફાઇ કામદારોએ પગારની માંગણી કરતા કોન્ટ્રાકટરે પગાર આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. નિયમ અનુસાર જો કોન્ટ્રાક્ટર પગાર ચુકવવામાં નિષ્ફળ જાય તો નિયમ મુજબ પાલીકાના સત્તાધીશોને પગાર ચુકવવાનો હોય છે. તેની પણ સમય મર્યાદા એક મહિનાથી વધુ હોતી નથી. છતાં પણ પાલિકા તંત્ર દ્વારા અને કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામદારોને ગત જુલાઈ મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીનો પગાર ચુકવવામાં આવ્યો નથી. તેમજ હાજરી કાર્ડ અને લધુતમ વેતન નિયમ મુજબ પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી. સફાઈ કામદારોએ આ તમામ માગ સહિત પગાર તાત્કાલીક ચુકવાની જિલ્લા કલેકટર, ચીફ ઓફિસર તેમજ શ્રમ આયુક્તની કચેરીને લેખીત રજુઆત કરી હતી.