નાવા મોડેલ સ્કૂલનું 1.46 લાખનું વીજબિલ ભરપાઈ ના થતાં વીજ કનેક્શન કાપ્યું

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
નાવા મોડેલ સ્કૂલનું 1.46 લાખનું વીજબિલ ભરપાઈ ના થતાં વીજ કનેક્શન કાપ્યું 1 - image


- 100 થી વધુ વિદ્યાર્થિનીઓના અભ્યાસ પર અસર 

- વીજબિલ ના ભરાતા દિકરીઓને શિક્ષિત કરવાની સરકાર દ્વારા કરાતી વાતો પોકળ હોવાનો રોષ

સુરેન્દ્રનગર : ચોટીલા-થાન રોડ પર નાવા ગામ પાસે આવેલી મોડેલ સ્કુલનું રૂ.૧.૪૬ લાખનું વીજબીલ ભરપાઇ ન થતાં વીજતંત્ર દ્વારા શાળાનું વીજકનેક્શન કાપી નાંખવામાં આવતા શાળામાં અભ્યાસ કરતી અને રહેતી વિધાર્થીનીઓની હાલત કફોડી બની છે. ત્યારે એક તરફ સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધે અને દિકરીઓને શિક્ષિત બનાવવાની વાતો વચ્ચે દિકરીઓની શાળાનું વીજ કનેક્શન કાપી નાંખવામાં આવતા સરકારની આ વાતો પોકળ સાબીત થઇ હોવાનો રોષ લોકોએ ઠાલવ્યો હતો.

નાવા ગામ પાસે આવેલી મોડેલ સ્કુલમાં અંદાજે ૧૦૦ થી વધુ વિધાર્થીનીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં અભ્યાસની સાથે સાથે હોસ્ટેલની પણ સુવિધા છે. મોડેલ સ્કુલના રૂા.૧.૪૬ લાખના વીજબિલની ભરપાઇ કરવામાં ન આવતા વીજતંત્ર દ્વારા સ્કુલનું વીજકનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે. આ મામલે શાળાના આચાર્ય દ્વારા વિધાર્થીઓના અભ્યાસના હીતને ધ્યાને લઇ વીજતંત્રને લેખીત રજુઆત કરી તાત્કાલિક વીજપુરવઠો શરૂ કરવા રજૂઆત પણ કરી છે. 

મોડેલ સ્કુલની હોસ્ટેલમાં હાલ સંખ્યા ફુલ હોવાથી અમુક વિધાર્થીનીઓ શાળામાં જ રહેતી હોવાની પણ ચર્ચા છે. વીજપુરવઠાના અભાવે શાળાની પાણીની ટાંકીમાં પાણી ન ચડાવી શકતા વિધાર્થીઓને પાણી માટે પણ મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે. ચોટીલા તાલુકામાં અનેક મોટા વીજબીલોની રકમ બાકી હોવા છતાં વીજતંત્રના અધિકારીઓ પણ જાણે શુરાતન ચડયું હોય તેમ મોડેલ સ્કુલનું જ વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું  હોવાનો રોષ ઠાલવવામાં આવ્યો છે.

તેમજ બીજી તરફ સરકાર દ્વારા પણ ગુણોત્સવ સહીતના તાયફાઓ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે અને બાકી વીજ માટે ગ્રાન્ટ ફાળવવામાં ન આવતા સરકાર અને વીજતંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે. નાવા ગામ પાસે આવેલ આ મોડેલ સ્કુલ વગડા વિસ્તારમાં આવેલી હોવાથી તેમજ રાત્રીના સમયે અગાઉ અંહી એકવાર દિપડો પણ આવી ચુક્યો હોવાથી રાત્રીના સમયે જંગલી પશુનો પણ ભય રહે છે, ત્યારે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવે તેવી માંગ છે.


Google NewsGoogle News