સુરેન્દ્રનગર જિલ્લામાં સાંથણીની જમીનના હુકમો ફાળવ્યા બાદ કબજો ના સોંપાતા રોષ
- ઉચ્ચકક્ષાએથી ઘટતું કરવાની સુચના છતાં
- સરકારે હુકમ કરેલી હક્કની જમીન હજુ સુધી મળી ના હોવાનો અધિકારીઓનો ઉડાઉ જવાબ
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં ૫ણ સરકાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને સાંથણીની જમીનોના હુકમો આપવામાં આવ્યાં છે પરંતુ લાભાર્થીઓ દ્વારા સ્થળ પર જમીન મેળવવા માટે સ્થાનિક તંત્રથી લઈ ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો અને ધક્કા ખાવા છતાં જમીનનો કબ્જો મળતો નથી. જે મામલે વહિવટી તંત્રના અધિકારીઓ પણ એનકેન પ્રકારે મૌન સેવી રહ્યાં છે. જે અંગે હજુ સાંથણીના હુકમો આપવામાં આવ્યાં છે પરંતુ સાંથણીમાં આપવાની જમીન જ શોધવાની બાકી છે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હોવાના આક્ષેપ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તથા ચોટીલા તાલુકા સહિતના તાલુકાઓમાં અનેક જરૂરિયાતમંદ પરિવારોને સરકારે સાંથણીની જમીનના હુકમો આપ્યા છે પરંતુ આજ દિવસ સુધી જમીનનો કબ્જો આપવામાં આવ્યો નથી.
જે મામલે થોડા દિવસો પહેલા ચોટીલા તાલુકાના અમુક લાભાર્થીઓએ ગાંધીનગર સુધી રૂબરૂ જઈ મુખ્યમંત્રી કાર્યાલયે રજૂઆત કરી હતી. ત્યારબાદ સીએમઓ દ્વારા આ મામલે જિલ્લા કલેકટરને ઘટતી કાર્યવાહી કરવા સુચનાઓ આપી છે. જેની અરજદારને પણ લેખિત જાણ સીએમઓથી કરવામાં આવી છે.
ત્યારે લાભાર્થીઓ આ મામલે ચોટીલા ડેપ્યુટી કલેકટરનો સંપર્ક કર્યો ત્યારે સરકાર દ્વારા હુકમ કરેલી હક્કની જમીન હજુ સુધી મળી નથી, તેવા અસ્પષ્ટ જવાબો આપવામાં આવ્યા હતા. લાભાર્થીઓએ રોષ ઠાલવ્યો હતો કે, એક તરફ જિલ્લા કલેકટર દ્વારા ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરૂકુળને હોસ્પિટલ અને શૈક્ષણિક હેતુ માટે સરકાર હસ્તકની મોંધાભાવની જમીનો ગ્રીન ઝોનમાં હોવા છતાં ફાળવી દેવામાં આવી છે અને નોટિસ પાઠવી કામ બંધ કરાવ્યા બાદ પણ શરતભંગ અંગેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
ત્યારે સંસ્કારધામ જેવા વગ ધરાવતા લોકોને ગ્રીન ઝોન હોવા છતાં બીનખેતીની જમીન પાણીના ભાવે આપી દીધી છે અને સામાન્ય અને જરૂરિયાતમંદ લોકોને પોતાના હક્કની સાંથણીની જમીનોના હુકમો થયા બાદ પણ વહિવટીતંત્રની બેદરકારીના કારણે કબ્જો સોંપવામાં ન આવતાં ઠેરઠેર ધક્કા ખાવાનો વારો આવ્યો છે તેવો રોષ લાભાર્થીઓએ ઠાલવ્યો છે.
ત્યારે આ અંગે ઉચ્ચકક્ષાએથી કાર્યવાહી કરી હુકમ થયેલી સાંથણીની જમીનોનો લાભાર્થીઓને કબ્જો સોંપવામાં આવે તેવી માંગ ઉઠી છે.