લખતર-વણા રોડ પર આવેલ કેનાલ પાસેથી પોલીસે બે શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
- ચોરી કરેલ બાઈક, ચાંદીના દાગીના, રોકડ અને છરી સહિત કુલ રૃા. 1.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
- કડી અને વિરમગામ તાલુકામાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં વાહનચોરી તેમજ ધરફોડ ચોરીના બનાવો વધી રહ્યાં છે જેને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી ટીમે પેટ્રોલીંગ હાથધર્યું હતું જેમાં બાતમીના આધારે લખતરથી વણા તરફ જતા રસ્તા પર આવેલ કેનાલના નાળા પાસે વોચ ગોઠવી બે શખ્સોને ચોરીના બાઈક તેમજ રોકડ રકમ અને ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ એલસીબી પોલીસે વાહનચોરી તેમજ ધરફોડ ચોરીના આરોપીઓને ઝડપી પાડવા લખતર તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું. જે દરમ્યાન બાતમીના આધારે લખતરથી વણા તરફ જતા રસ્તા પર આવેલ કેનાલ પાસે વોચ ગોઠવી હતી જેમાં શંકાસ્પદ હાલતમાં બાઈક પર બે શખ્સો પસાર થતાં તેને રોકી પુછપરછ હાથધરતા વસીમભાઈ ગનીભાઈ સંઘી ડફેર રહે.નગરા તથા ગૌતમભાઈ વિનોદભાઈ બાવળીયા રહે.લીંબડવાળા હોવાનું જણાવ્યું હતું અને વધુ પુછપરછ કરતા પોતાની પાસે રહેલ બાઈક મહેસાણાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કર્યું હોવાની અને વિરમગામના કાંકરાવાડી ગામેથી ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આથી પોલીસે ચોરી કરેલ બાઈક સહિત ચોરીના રોકડ રૃા.૧૦,૦૦૦, ચાંદીની લક્કી કિંમત રૃા.૫,૦૦૦, છરી અને બાઈક સહિત કુલ રૃા.૧.૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ઉપરોક્ત બન્ને ચોરીના ગુન્હાઓ અંગે કડી તેમજ વિરમગામ રૃરલ પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો જે એલસીબી ટીમે ડીટેક્ટ કર્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઈ જે.જે.જાડેજા સહિત પેરોલ ફર્લો સ્કોવડના ઈન્ચાર્જ પીએસઆઈ એન.એ.રાયમા સહિતનો સ્ટાફ જોડાયો હતો.