Get The App

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે કડક પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધર્યું

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે કડક પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધર્યું 1 - image


- 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને લઈ 

- ચોટીલા-રાજકોટ હાઈવે સહિતના હાઈવે પર મોટાપાયે વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર : સમગ્ર દેશમાં વર્ષ ૨૦૨૩ના અંતિમ દિવસે એટલે કે ૩૧મી ડીસેમ્બરની ઉજવણી સાથો સાથ નવા વર્ષ ૨૦૨૪ને આવકારવા માટે યુવાધન સહિતનાઓ અંતિમ દિવસે ૩૧ ડીસેમ્બરની ઉજવણી કરતાં હોય છે. જયારે વર્ષોથી ૩૧મી ડીસેમ્બરની ઉજવણીમાં દારૂની મહેફીલ માણવાનો પણ ક્રેઝ વધી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ યુવાનો સહિત નબીરાઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડા ડો.ગીરીશકુમાર પંડયાની સુચનાથી ડીવાયએસપી, એલસીબીના પીઆઈ, સીટી પીઆઈ સહિતનાઓ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સમગ્ર જિલ્લામાં અલગ-અલગ હાઈવે પર ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી હતી. તેમજ  લીંબડી-બગોદરા, ધ્રાંગધ્રા-હળવદ, પાટડી-માલવણ, સુરેન્દ્રનગર-લખતર, સુરેન્દ્રનગર-લીંબડી, ચોટીલા-રાજકોટ હાઈવે સહિતના હાઈવે પર પણ ખાસ ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું. જિલ્લાની એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કર્વોડ સહિત જે તે તાલુકાની સ્થાનિક પોલીસ, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, હોમગાર્ડ જવાનો, જીઆરડી, મહિલા પોલીસ સહિતના સટાફ દ્વારા સમગ્ર જિલ્લામાં કડક ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના હાઈવે પર આવેલ હોટલો, ફાર્મહાઉસ સહિતના સ્થળો પર પણ ૩૧ ડીસેમ્બરની પાર્ટી અને દારૂની મહેફીલો અંગે ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News