ઝાલાવાડનાં યાત્રાધામો, મંદિરો અને ધાર્મિક સ્થળોએ ભક્તોનું ઘોડાપુર ઉમટયું
- ચોટીલા ચામુંડા માતાજીનાં મંદિરે પાંચ દિવસ દરમિયાન ૪ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાનાં ૫વિત્ર યાત્રાધામ એવા ચોટીલા ખાતે દિવાળીની રજાઓમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. દિવાળીનાં તહેવારથી લઈને લાભ પાંચમ સુધી મોટી સંખ્યામાં ભક્તો ચોટીલા ડુંગર પર બીરાજમાન માં ચામુંડાનાં દર્શને આવતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે મોટીસંખ્યામાં લોકો ચોટીલા ખાતે દર્શનાર્થે ઉમટી પડયાં હતાં.
ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાળુઓને હાલાકી ન પડે તે માટે પગથીયા પર પાણીની પરબ સહિતની વ્યવસ્થા સ્વયંસેવકો તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરક્ષાને ધ્યાને લઈ જીલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યાએ પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડસ જવાનોને ખડે પગે રાખવામાં આવ્યા હતાં. તેમજ હાઈવે પર મુખ્ય દ્વારથી પગપાળા જવા માટેના રસ્તા પર અને નાના પાળીયાદ રોડ પર વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. પુરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં તસ્કરો દ્વારા મોબાઈલ તેમજ પાકિટ ચોરીના બનાવો પણ સામે આવ્યા હતાં. તેમજ ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓએ યથાશક્તિ મુજબ શ્રીફળ સહિતની પ્રસાદી માતાજીને ધરાવી ધન્યતા અનુભવી હતી અને દિવાળીની રજાના દિવસોમાં અંદાજે રૂા.૧ કરોડથી વધુની પ્રસાદીનું વેચાણ થયું હતું.
હોટલો તેમજ ગેસ્ટ હાઉસમાં પણ રૂમો હાઉસફુલ જોવા મળ્યા હતા અને ડબલગણા ભાડા વસુલતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી હતી. એક અંદાજ મુજબ દિવાળીથી લઈને લાભ પાંચમ સુધી અંદાજે ૪ લાખથી વધુ જેટલા ભાવિકો ચોટીલા દર્શનાર્થે ઉમટી પડયા હતાં અને સમગ્ર માહોલ ચામુંડા માતકી જયના નાંદથી ગુુંજી ઉઠયો હતો. આ ઉપરાંત શહેરનાં વઢવાણ ખાતે આવેલ અને શ્રધ્ધાનું પ્રતિક એવા નકટીવાવનાં શ્રી મેલડી માતાજીનાં મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયાં હતાં. જયારે મેલડીમાતાજીનાં મંદિર ખાતે શ્રધ્ધાળુઓ પોતાની બાધા મુજબ તાવા કરી માની આરાધનાં કરતાં હોય છે. આ ઉપરાંત મૂળી સ્વામિનારાયણ મંદિર તેમજ માંડવરાયજી મંદિર, વસ્તડી સામાકાંઠાની મેલડી માતાજીના મંદિર, સરાવાળા મેલડી માતાજી, જલારામ મંદિર, પીપળીધામ,ગણપતિ ફાટસર સહિત જિલ્લાના ધાર્મિક સ્થળેએ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.