સુરેન્દ્રનગરના બાલા હનુમાન રોડ પર ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ્
- પાલિકામાં વારંવાર રજૂઆત છતા પરિણામ નહીં
- સફાઈના અભાવે ગંદકીના થરથી અડધો અડધ રસ્તો દબાઈ ગયો ઃ રોગચાળો ફેલાવાની દહેશત
સુરેન્દ્રનગર : રાજ્ય સરકાર દ્વારા એક તરફ ઠેરઠેર સફાઈ અભિયાન હાથધરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં અનેક જગ્યાએ તંત્રની બેદરકારીના કારણે ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહ્યાં છે. ત્યારે શહેરના બાલા હનુમાન રોડ પર આવેલ વાદીપરા શેરી નંબર પાંચ ભરવાડ શેરીના નાકે ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા આસપાસના દુકાનદારો સહિત લોકોને હાલાકી પડી રહી છે અને રોગચળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે.
શહેરના બાલા હનુમાન રોડ પર આવેલ વાદીપરા શેરી નંબર પાંચ ના નાંકે પાલિકા તંત્ર સંચાલીત જાહેર શૌચાલયો આવેલા છે. જે પૈકી અમુક શૈચાલયને ખાનગી સંસ્થાને સોંપી પે એન્ડ યુઝ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે બાકીના બે જાહેર શૌચાલયો બિસ્માર તેમજ પડી જાય તેવી હાલતમાં છે. ઉપરાંત નિયમીત સફાઈ કરવામાં ન આવતાં આ શૌચાલય બિન ઉપયોગી બની ચુક્યાં છે. જ્યારે આ શૌચાલયોની બહાર ગંદકી અને છાણના ઢગલાઓ કરવામાં આવ્યાં છે. જેના કારણે અડધો રસ્તો દબાઈ ગયો છે અને અસહૃય ગંદકી તેમજ દુર્ગંધના કારણે આસપાસના વેપારીઓ અને દુકાનદારો યોગ્ય રીતે ધંધો પણ કરી શકતાં નથી. આ વિસ્તારમાં સફાઈ હાથધરવામાં ન આવતાં રોગચાળો ફેલાવની શક્યતાઓ સેવાઈ રહી છે. આ અંગે દુકાનદારો અને વેપારીઓએ અનેક વખત પાલિકા તંત્રને રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. આથી તાત્કાલીક પાલિકા તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથધરવામાં આવે અને ગંદકી તેમજ કચરાના ઢગલાઓ કાયમી ધોરણે દુર કરવામાં આવે તેમજ બંધ જાહેર શૌચાલયો ફરી શરૂ કરવામાં આવે અથવા તો તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.