પાટડીમાં લો-વોલ્ટેજની સમસ્યા મુદ્દે પીજીવીસીએલ કચેરીએ લોકોનો હોબાળો
- યોગ્ય કાર્યવાહી કરવાની તંત્રની ખાતરી
- સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકોની આંદોલનની ચિમકી
સુરેન્દ્રનગર : પાટડી પીજીવીસીએલ કચેરી ખાતે લો-વોલ્ટેજના કારણે લોકોના વીજઉપકરણો યોગ્ય રીતે ન ચાલતા લોકોએ હલ્લાબોલ કર્યો હતો અને તંત્ર સામે રોષ દાખવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૫ ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. તેવામાં પાટડી ગાડી દરવાજાથી પાંચ હાટડી સુધીના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી લો-વોલ્ટેજના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
લો-વોલ્ટેજના કારણે એ.સી., ફ્રીજ, પંખા સહિતના વીજ ઉપકરણો યોગ્ય રીતે ન ચાલતા ભર ઉનાળે ગરમી સહન કરવાનો વારો આવી રહ્યો છે. આ મામલે રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં મોટી સંખ્યામાં સ્થાનિકો પાટડી પીજીવીસીએલ કચેરી ખાતે ઉમટી પડયા હતા અને વિરોધ સાથે હલ્લાબોલ કર્યો હતો. તેમજ લો-વોલ્ટેજની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. રજૂઆતને પગલે પીજીવીસીએલ તંત્ર દ્વારા તાત્કાલિક આ વિસ્તારની મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.