15 થી વધુ ગામના લોકો નદીમાં બનાવેલા કાચા ડાયવર્ઝન પરથી પસાર થવા મજબૂર
- વસ્તડી પાસે જૂનો પુલ ધરાશાયી થયા બાદ
- ભારે વરસાદમાં કાચો રસ્તો ધોવાઈ જવાની શક્યતા : ધારાસભ્ય અને કલેક્ટરે હૈયાધારણા આપ્યાને 10 મહિના વિત્યા છતાં સ્થિતિ જૈસે થે
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ભોગાવો નદી પર આવેલો પુલ અંદાજે ૧૦ મહિના પહેલા ધરાશાયી થયો હતો. ત્યારબાદ તંત્રના અધિકારીઓ અને ધારાસભ્ય સહિતના આગેવાનો દ્વારા પુલની જગ્યાએ તાત્કાલિક નવો બ્રીજ બનાવવાની હૈયાધારણા આપી હતી. પરંતુ પુલ ધરાશાયી થયાના ૧૦ મહિના બાદ આજે પણ ગ્રામજનો અને વાહનચાલકો નદીમાં બનાવેલા કાચા ડાયવર્ઝન પરથી જીવના જોખમે પસાર થવા મજબુર બન્યાં છે.
વસ્તડી તેમજ આસપાસનાં ૧૫ થી વધુ ગામોને નેશનલ હાઇવે સાથે જોડતો પુલ ગત સપ્ટેમ્બર મહિનાનામાં ધરાશાયી થઇ ગયો હતો. આ બનાવમાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી પરંતુ વસ્તડી સહીતના આસપાસનાં ગામોને નેશનલ હાઇવે સાથે જોડતો રસ્તો બંધ થઇ ગયો હતો.
આથી તંત્ર દ્વારા ભોગાવો નદીમાંથી ડાયવર્ઝન આપી કામચલાઉ કાચો રસ્તો બનાવવામાં આવ્યો છે અને છેલ્લા ૧૦ મહિના કરતા વધુ સમયથી વસ્તડી, ચુડા સહીતના ૧૦ થી વધુ ગામના હજારો લોકો નદીમાં બનાવેલા કાચા રસ્તા પરથી જીવના જોખમે પસાર થઇ રહ્યાં છે. હાલ ચોમાસાના કારણે નદીમાં ભરપુર પાણી હોવા છતાં લોકો અહીથી પસાર થઇ રહ્યા છે.
જ્યારે આ કાચો રસ્તો પણ ઉબડખાબડ અને પથરાળ હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વસ્તડી ગામે આવેલી બે થી ત્રણ શાળાઓ પણ નદીના સામા કાંઠા તરફ હોવાથી આ જોખમી રસ્તા પરથી વિદ્યાર્થીઓને પણ પસાર થવાનો વારો આવ્યો છે. ભોગાવો નદીમાં હાલ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયેલા છે, ત્યારે ઉપરવાસમાં જો વધુ વરસાદ થાય તો ભોગાવો નદીમાં વધુ પાણી આવે તો આ કાચો રસ્તો તુરંત ધોવાઇ જાય તેમ છે.
જેથી વસ્તડી સહીતના ૧૦ થી વધુ ગામના લોકોને હાઇવે તરફ તેમજ સુરેન્દ્રનગર જવા માટે ૧૦ થી ૧૫ કિલોમીટરનો ધક્કો ખાવો પડે તેવી નોબત આવે તેમ છે. વસ્તડીનો પુલ ધરાશાયી થયો તે સમયે ધારાસભ્ય તેમજ જિલ્લા કલેક્ટર સહીતનાઓ દ્વારા તાત્કાલિક નવો બ્રીજ બનાવવાની મસમોટી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી નવા બ્રીજ અંગે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે.
તેમછતાં કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ તંત્ર દ્વારા તાત્કાલિક નવો પુલ બનાવવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે.