ગણપતિ ફાટસર પાસે રેલવે ફાટક પર છાશવારે ટ્રાફિકજામથી લોકો પરેશાન
- ધારાસભ્યો, સાંસદો અને પાલિકા પ્રમુખ બદલાયા પણ સમસ્યા ઠેરની ઠેર
- ફાટક ખુલ્યા બાદ બંને તરફ વાહનોની લાંબી કતારો લાગતા ઓવરબ્રીજ-અંડરપાસ બનાવવાની માંગ
સુરેન્દ્રનગર : વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં ગણપતિ ફાટસર પાસેની રેલ્વે ફાટક અવાર-નવાર ટ્રેનોની અવર-જવરના કારણે બંધ રહેતા વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. તાજેતરમાં ફાટક ખુલ્યા બાદ કન્ટેનર ફસાઈ જતા ટ્રાફિકજામ થયો હતો. રેલ્વે ફાટક પર વર્ષોથી ઓવર બ્રિજ કે અંડર પાસ બનાવાની માગ ઉઠી રહી છે છતાં આજ દિવસ સુધી કોઇ નક્કર પરિણામ નહીં આવતા સ્થાનિકો અને વાહનચાલકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
ગણપતિ ફાટસર પાસે ભાવનગરથી સુરેન્દ્રનગર તરફ રેલવેલાઇન પસાર થાય છે. જેમાં ૨૪ કલાકમાં અંદાજે ૩૦થી વધુ ટ્રેનો દોડી રહી છે. રેલ્વે ફાટક પરથી રાજકોટ બાયપાસ રોડ તરફ વાહનોની તેમજ ગણપતિ ફાટસર સહિત રતનપર વિસ્તારમાં બાયપાસ રોડ પર રહેતા લોકો પણ અહીંથી પસાર થાય છે. પેસેન્જર ટ્રેન-માલગાડી આવ્યા પહેલા ૧૦ મીનીટ અને પસાર થઈ ગયા બાદ ૧૦ મીનીટ સુધી ફાટક બંધ રહે છે. ૨૦ મીનીટ સુધી ફાટક બંધ રહેતા વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને ટ્રાફિકને હળવો થતા વધારાની ૧૦ થી ૧૫ મીનીટ જેટલો સમય લાગે છે. તાજેતરમાં રેલ્વે ફાટક ખુલ્યા બાદ એક માલવાહક કન્ટેનર ફસાઈ જતા અંદાથે ૪૦થી ૪૫ મીનીટ સુધી ટ્રાફિકજામ થયો હતો અને બંનેે સાઈડ એક મિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
ટ્રાફિકજામની સમસ્યાનો કાયમી ઉકેલવા ફાટકની જગ્યાએ ઓવરબ્રીજ અથવા અંડરપાસ કરવામાં આવે તેવી અનેક વખત રેલ્વે વિભાગને લેખીત રજુઆતો કરી છે છતાં પણ હજુ સુધી કોઈ કામગીરી હાથધરવામાં આવી નથી. સુરેન્દ્રનગર શહેરમાં ચૂંટાઇને આવતા પ્રતિનિધિઓ પણ આ સમસ્યાને લઇને કોઇ ખાસ રસ ન હોય તેમ નાગરિકોનું કહેવું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સાંસદ, ધારાસભ્ય અને પાલિકાના પ્રમુખ ચૂંટાઇને આવે છે અને જતાં રહે છે પણ સમસ્યા ઠેરની ઠેર રહે છે.