Get The App

સુરેન્દ્રનગર પાલિકા વિસ્તારમાં કચરાના ઢગલાથી લોકો ત્રસ્ત

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર પાલિકા વિસ્તારમાં કચરાના ઢગલાથી લોકો ત્રસ્ત 1 - image


- સફાઈ અભિયાનના દાવા પોકળ 

- સફાઈ માટે દર મહિને 30 લાખથી વધુની રકમ ફાળવવા છતાં ઠેર ઠેર ગંદકી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાને સરકાર દ્વારા તાજેતરમાં મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ હાલ નગરપાલિકાના શાસનમાં જ પ્રજાજનોને પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. રહેણાક વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર ઠેર ઠેર કચરાના ઢગ અને ગંદકી જોવા મળી રહી છે. ત્યારે સફાઈ અભિયાનની વાતો પોકળ સાબિત થઈ હોવાનો રોષ શહેરીજનોએ ઠાલવ્યો છે. 

સુરેન્દ્રનગરમાં નગર પાલિકાના શાશનમાં શહેરની પોપટપરા, શ્રવણ ટોકીઝ રોડ, રિવરફ્રન્ટ રોડ, વાળીનાથ સર્કલ સહિતના મુખ્ય માર્ગો પર કચરાના ઢગલા અને ગંદકી જોવા મળી રહી છે. જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતાં રોગચાળો ફેલાવવાની દહેશત પણ સેવાઈ રહી છે. 

હાલ સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર સહિતના શહેરી વિસ્તારમાં કોન્ટ્રાકટ બેઈઝ અને કાયમી સહિત અંદાજે ૪૫૦ સફાઈ કામદારો અલગ અલગ વિસ્તારોમાં સફાઈ કરી રહ્યા છે પરંતુ વિસ્તાર મુજબ સફાઈ કામદારોની સંખ્યા ખૂબ ઓછી હોવાથી અનેક વિસ્તારોમાં ગંદકી જોવા મળી રહી છે. 

તો બીજી બાજુ પાલિકા તંત્ર દ્વારા સફાઈ પાછળ દર મહિને અંદાજે ૩૬ લાખ અને વાર્ષિક અંદાજે ૩ કરોડ જેટલી રકમ ખર્ચ કરવામાં આવે છે તેમ છતાંય અનેક વિસ્તારો સહિત મુખ્ય માર્ગો પર સફાઈના અભાવે ગંદકીનુ સામ્રાજ્ય ફેલાયું છે. આથી પાલિકા તંત્ર દ્વારા વિસ્તારની સરખામણીએ સફાઈની સમસ્યાને પહોંચી વળવા વધારાના સફાઈ કામદારોને નોકરી આપવામાં આવે અને યોગ્ય રીતે સંકલન સાથે સફાઈ કામગીરી કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

આ મામલે સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના ચીફ ઓફિસરે સફાઈ, ડોર ટુ ડોર કચરો ઉપાડવાની અને નિકાલની કામગીરી નિયમિત થતી હોવાનું જણાવેી રહીશો તેમજ દુકાનદારો અને વેપારીઓને પણ કચરો જ્યાં ત્યાં ફેકવાને બદલે કચરા પેટીમાં જ એકત્ર કરી તેનો નિયમિત નિકાલ કરવા અપીલ કરી હતી. તેમજ જો કોઈ દુકાનદાર જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ કડક સૂચનાઓ આપી હોવાનું જણાવ્યું હતું.



Google NewsGoogle News