પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે ગંદકી ફેલાતા દર્દીઓને હાલાકી

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે ગંદકી ફેલાતા દર્દીઓને હાલાકી 1 - image


- સમસ્યાની સત્વરે અને કાયમી ઉકેલની માંગ

- ખુલ્લી ગટરમાં ઘરવપરાશના પાણીનો ભરાવો તથા કાદવના લીધે અસહ્ય દુર્ગંધ પ્રસરી

સુરેન્દ્રનગર : પાટડીમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલી ખુલ્લી ગટરમાં રહેણાંક વિસ્તારના લોકો દ્વારા ઘરવપરાશનું પાણી છોડવામાં આવતાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે. આથી સારવાર અર્થે આવતા દર્દીઓ વધુ બીમાર પડે તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે તાત્કાલીક જવાબદાર તંત્ર દ્વારા ખુલ્લી ગટરમાં પાણી છોડનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોના દર્દીઓ સારવાર અર્થે મોટીસંખ્યામાં આવે છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી મહિલાઓની પ્રસુતિ પણ અહિં કરાવવામાં આવે છે. અહીં દિવસ દરમિયાન ૧૦૦થી વધુ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.

 ત્યારે સીએચસી પાસે આવેલી ખુલ્લી ગટરમાં રહેણાંક વિસ્તારના લોકો બારેમાસ ઘર વપરાશનુ પાણી છોડી રહ્યા છે. ગટરમાં ઘર વપરાશના પાણીનો ભરાવો તથા કાદવથી દુર્ગંધ ફેલાઈ રહી છે અને ગંદકીનુ સામ્રાજ્ય ફેલાયું છે. ગટર હોવા છતાં ઘર વપરાશનું પાણી છોડવામાં આવી રહ્યું છે.

જેના લીધે દર્દીઓનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સત્વરે ખુલ્લી ગટરમાં પાણી છોડનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તથા કાયમી ધોરણે સમસ્યાનુ નિરાકરણ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.


Google NewsGoogle News