વઢવાણના રામપરા ગામમાં પરીણિતાનો ફાંસો ખાઈ આપઘાત

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
વઢવાણના રામપરા ગામમાં પરીણિતાનો ફાંસો ખાઈ આપઘાત 1 - image


- રિસામણા બાદ સાસરીમાં જઈ પરીણિતાનું અંતિમ પગલું 

- સાસરિયાઓના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ : પોલીસે તપાસ હાથ ધરી 

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના રામપરા ગામે રહેતી પરીણિતાએ સાસરીયામાં ફાંસો ખાઈ આત્મહત્યા કરતા મોત નીપજ્યું હતું. જે મામલે પરીણિતાના પરિવારજનો સહિત સમાજના આગેવાનો મુખ્ય સરકારી હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા અને સાસરીયાપક્ષના ત્રાસથી પરીણિતાએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. 

મુળ વઢવાણની અને રામપરા ગામે પરણાવેલાં ઉષાબેન પરમાર છેલ્લા ઘણા સમયથી સાસરીયામાં મનમેળ ન હોવાથી પિયરમાં રહેતાં હતાં. તાજેતરમાં લોકોની સમજાવટ બાદ પુત્રના કારણે ફરી સાસરીયામાં રામપરા રહેવા ગયાં હતાં. જે દરમિયાન ઉષાબેને સાસરીયામાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

પરીણિતાની લાશને પીએમ અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં મૃતકના પિયરપક્ષના પરિવારજનો તેમજ સમાજના આગેવાનો મોટીસંખ્યામાં ઉમટી પડયા હતા અને હોબાળો મચાવ્યો હતો. તેમજ સાસરીયાપક્ષમાં પતિ સહિતનાઓના શારીરિક અને માનસીક ત્રાસથી કંટાળી પરીણિતાએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. 

તેમજ જ્યાં સુધી ત્રાસ ગુજારનાર પતિ સહિતનાઓને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં નહિં આવે ત્યાં સુધી લાશને સ્વીકારવાનો ઈન્કાર કરી દેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. 

જ્યારે ભારે જહેમત બાદ પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની તેમજ ન્યાયિક કાર્યવાહી કરવાની ખાતરી આપતા લાશનો મોડી સાંજે સ્વીકાર કર્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News