Get The App

વઢવાણની દરબારગઢ શેરીમાં ત્રણ વીજપોલ ધરાશાયી થતાં અફરાતફરી

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
વઢવાણની દરબારગઢ શેરીમાં ત્રણ વીજપોલ ધરાશાયી થતાં અફરાતફરી 1 - image


- સદ્નસીબે કોઈ જાનહાની નહીં

- અનેક વિસ્તારોમાં પાંચ કલાક સુધી વીજળી ગુલ થતાં સ્થાનિકો પરેશાન : જર્જરિત પોલ અંગે સત્વરે કાર્યવાહીની માંગ 

સુરેન્દ્રનગર : વઢવાણ શહેરના દરબારગઢ શેરીમાં ગાડી એક વીજપોલ સાથે અથડાતા વીજપોલ ધરાશાયી થયો હતો. ત્યારબાદ પીજીવીસીએલની ટીમ દ્વારા સમારકામ હાથ ધરવા વીજવાયરો ઉતારતા અન્ય બે વીજપોલ પણ તુટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ બનાવમાં સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ ત્રણ વીજપોલ ધરાશાયી થતાં દરબારગઢ શેરી તેમજ આસપાસનાં વિસ્તારમાં કલાકો સુધી વીજપુરવઠો ખોરવાઇ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી.

વઢવાણ શહેરના દરબારગઢ શેરી વિસ્તારમાં એક ગાડી પસાર થઇ રહી હતી. તે દરમિયાન એક વીજપોલ સાથે ગાડી અથડાતા વીજપોલ ધરાશાયી થયો હતો. વીજપોલ ધરાશાયી થયો તેની થોડી મિનિટો પહેલા જ ત્યાંથી એક જાનનો વરઘોડો પણ પસાર થયો હતો પરંતુ વીજપોલ ધરાશાયી થયો તે સમયે આસપાસ કોઇ અવરજવર ન હોવાથી જાનહાની થઇ ન હતી. 

વીજપોલ ધરાશાયી થતાં વીજવાયરો લટકી પડયાં હતા. જે અંગે વીજતંત્રને જાણ કરવામાં આવતા પીજીવીસીએલની ટીમ સમારકામ માટે દોડી આવી હતી અને વીજપોલ સાથે લટકી રહેલા વીજવાયરો ઉતારવાની કામગીરી કરતા અન્ય બે વીજપોલ પણ તુટી પડતાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

આમ કુલ ૩ વીજપોલ ધરાશાયી થયા હતા પરંતુ સદનસીબે કોઇ જાનહાની ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ એકસાથે ૩ વીજપોલ ધરાશાયી થતાં અનેક વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હતો. જેમાં દરબારગઢ, ખારવાની પોળનો અંદરનો વિસ્તાર, મોતીચોક,મેઇન બજાર અને કંસારા બજાર સહીતમા વિસ્તારમાં આવેલ અનેક રહેણાંક મકાનો, દુકાનો અને ઓફીસોમાં વીજપુરવઠો ઠપ થઇ ગયો હતો.

 અંદાજે પાંચ કલાકથી વધુ સમય સુધી વીજપુરવઠો બંધ સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વઢવાણ સહીત સમગ્ર જિલ્લામાં જર્જરિત વીજપોલ અંગે વીજતંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.



Google NewsGoogle News