ટ્રક સાથે ટક્કર બાદ ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં અફરાતફરી
- ચોટીલા-રાજકોટ હાઈવે પર અકસ્માત
- ટ્રકચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો ઃ પોલીસ, ફાયરબ્રિગેડ તથા ગેસ કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા
સુરેન્દ્રનગર : ચોટીલા-રાજકોટ હાઈવે પર ટ્રક અને ગેસ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. જો કે સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ ન બનતા મોટી દુર્ધટના ટળી હતી. જે મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ચોટીલા-રાજકોટ હાઈવે પર આવેલી એક હોટલ પાસે ટ્રક તેમજ ગેસ ભરેલા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત બાદ રોડ વચ્ચે ટેન્કર પલટી મારી જતાં આસપાસથી પસાર થતાં વાહનચાલકોમાં તેમજ રાહદારીઓમાં ફફડાટ સાથે અફરાતફરી મચી જવા પામી હતી.
જ્યારે ટ્રકચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં ચોટીલા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ગેસ ભરેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ થવાથી કોઈ મોટી દુર્ધટના ન સર્જાય તે માટે પાલિકાની ફાયર ફાયટર ટીમને સ્થળ પર હાજર રાખવામાં આવી હતી.
તેમજ ગેસ કંપનીના અધિકારીઓને પણ જાણ કરવામાં આવતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ગેસ ભરેલા ટેન્કરને રસ્તા પરથી સલામત જગ્યાએ હટાવવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.