રાજપરની સીમમાં સોલાર પાવર પ્લાન્ટના વીજપોલ નાંખવા મામલે 15.50 લાખ પડાવ્યા
- જાનથી મારી નાંખવાની ધમકી આપી
- સરકારી ખરાબાની જગ્યામાં વીજપોલ ઉભા કરવા છતાં ધ્રાંગધ્રાના 4 શખ્સોએ રૃપિયા પડાવતા ફરિયાદ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના રાજપર ગામની સીમમાં સોલાર પાવર પ્લાન્ટના વીજપોલ ઉભા કરવા મામલે ધ્રાંગધ્રાના ૪ શખ્સો દ્વારા આધેડને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી બળજબરીથી રૃપિયા ૧૫.૫૦ લાખ પડાવી લેવા મામલે ભોગ બનનાર આધેડે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ધ્રાંગધ્રામાં રહેતા દીપકભાઇ મગનલાલ અઘારાની રાજપર ગામની સીમમાં સોલાર પાવર પ્લાન્ટ નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ સોલાર પાવર પ્લાન્ટના વીજપોલ ઉભા કરવા મામલે ૪ શખ્સો અવારનવાર દીપકભાઇને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી.
વીજપોલ જે જગ્યાએ ઉભા કરવામાં આવતા હતા તે જગ્યાએ સરકારી ખરાબાની જમીન હોવા છતાં અને આ જગ્યામાં વીજપોલ ઉભા કરવા માટે જિલ્લા વહીવટીતંત્રની મંજૂરી લીધી હોવા છતાં જયેશભાઇ ચમનભાઇ ભટ્ટ, હાર્દિકભાઇ વિનોદરાય ભટ્ટ, કાર્તિકભાઇ વિનોદરાય ભટ્ટ અને ધૃ્રવભાઇ ઉર્ફે ભોલો અશોકભાઇ ભટ્ટ નામના ૪ શખ્સો દ્વારા વીજપોલ નાંખવા મામલે રૃપિયા ૧ કરોડની માંગણી કરી હતી અને અંતે રૃા.૧૫.૫૦ લાખ રોકડા આપ્યા બાદ જ આ શખ્સો દ્વારા વીજપોલ નાંખવાની કામગીરી શરૃ કરવા દેવામાં આવી હતી.
આ સમગ્ર મામલે દીપકભાઇ અઘારાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.