વઢવાણ વોટર વર્કસના કર્મચારીઓને કોન્ટ્રાક્ટર દ્વારા પગાર તેમજ પીએફની રકમ ન ચુકવાતા રોષ
- છેલ્લા પાંચ મહિનાથી પગાર નહિં ચુકવતા પાલિકા કચેરી ખાતે રજુઆત કરી
- માંગો પુરી નહિં થાય તો આગામી તા. 19 જુલાઈથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી
સુરેન્દ્રનગર : વઢવાણ વોટર વર્કસના કર્મચારીઓને છેલ્લા પાંચ મહિનાથી પગાર ન ચુકવતા સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના ચીફ ઓફીસરને લેખીત રજુઆત કરી હતી અને જો પગાર ચુકવવામાં નહિં આવે તો આગામી દિવસોમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર જઈ કામગીરી બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ વઢવાણ વોટર વર્કસ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી અનેક કર્મચારીઓ કામ કરે છે પરંતુ હાલના કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા પાંચ મહિનાથી પગાર ચુકવવામાં આવ્યો નથી તેમજ પીએફની રકમ પણ ચુકવી નથી સરકાર દ્વારા જાહેર કરેલ મોંધવારી ભથ્થુ પણ તા.૧ એપ્રિલ ૨૦૨૩થી બાકી છે તે પણ ચુકવવામાં આવ્યું નથી આથી પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડી રહી છે જે મામલે કોન્ટ્રાક્ટરને અનેક વખત રજુઆત કરવા છતાં પગાર ચુકવવામાં આવ્યો નથી આથી વઢવાણ વોટર વર્કસ વિભાગના કર્મચારીઓએ પાંચ મહિનાનો બાકીનો પગાર તેમજ પીએફની રકમ ચુકવવાની માંગ સાથે પાલિકાના ચીફ ઓફીસરને લેખીત રજુઆત કરી હતી અને આગામી ૮ દિવસમાં પગાર ચુકવવામાં નહિં આવે તો તા.૧૯ જુલાઈના રોજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વઢવાણ વોટર વર્કસના કર્મચારીઓ દ્વારા વઢવાણ સહિતના વિસ્તારોમાં અલગ-અલગ ઝોન મુજબ પાણી વિતરણ કરવાની જવાબદારી છે આથી કર્મચારીઓ જો હડતાળ પર જશે તો વઢવાણ સહિતના અનેક વિસ્તારોમાં પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવાની સ્થિતિ ઉદ્દભવી શકે છે. આથી પાલિકા તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરી બાકીનો પગાર ચુકવવાની વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠી છે.