સાયલાની કેજીબીવી હોસ્ટેલમાં માત્ર 25 બેડનું કોવિડ સેન્ટર શરૂ થતા રોષ
- શહેર-તાલુકામાં કોરોના સંક્રમણ બેકાબુ
- કોવિડ સેન્ટર શરૂ થયાના પ્રથમ દિવસે મહિલાનું મોત પરિસ્થિતિને ધ્યાને લઇ વધુ બેડ ફાળવવા માંગ ઊઠી
સાયલા : સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકામાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ તાજેતરમાં સાયલા ખાતે આવે કેજીબીવી હોસ્ટેલ ખાતે તંત્ર દ્વારા ૨૫ બેડનું કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ કોવીડ સેન્ટરમાં પ્રથમ દિવસે જ ગણતરીના કલાકોમાં એક વૃધ્ધ મહિલાનું કોરોનાથી મોત નીપજતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલા તેમજ આસપાસના ગામોમાં કોરોના વાયરસનું સંક્રમણ ચીંતાજનક રીતે વધી રહ્યું છે અને સાયલા તાલુકામાંથી અનેક લોકોના કોરોનાથી મોત પણ થઈ રહ્યાં છે ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા જીલ્લા વહિવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે સાયલા ખાતે આવેલ કેજીબીવી હોસ્ટેલમાં અંદાજે ૨૫ બેડનું કોવીડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે ત્યારે આ બેડનો લાભ પણ લોકોને લાગવગથી જ મળશે તેમ લાગી રહ્યું છે અને મધ્યમ તેમજ ગરીબવર્ગના પરિવારોને હંમેશાની જેમ હાલાકી ભોગવવાનો વારો આવશે તેવી ચર્ચાઓએ જોર પકડયું હતું. જ્યારે લોકમુખે થતી ચર્ચા મુજબ સાયલા તાલુકામાં અગાઉ કોરોનાની પ્રથમ લહેરમાં મર્યાદિત કેસો હતાં ત્યારે પણ અંદાજે ૭૮ જેટલા બેડોની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી જ્યારે હાલ સાયલા તાલુકામાં કોરોના વાયરસે માથું ઉચક્યું છે ત્યારે માત્ર ૨૫ બેડની વ્યવસ્થાથી પ્રજાજનોને શુ ફાયદો થશે તે અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે. આ ઉપરાંત અગાઉ લાખોના ખર્ચે ૭૮ બેડની કોવીડ હોસ્પીટલ માટેની સામગ્રીઓ ખરીદવામાં આવી હતી પરંતુ તેનો પણ ઉપયોગ થયો નહોતો ત્યારે હાલ સાયલા તાલુકામાં પરિસ્થિતિને ધ્યાને લઈ કોવીડ હોસ્પીટલ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જ્યારે આ મામલે સાયલા ઈન્ચાર્જ બ્લોક હેલ્થ ઓફીસરનો સંપર્ક કરતાં તેઓએ સ્પષ્ટ માહિતી આપવાનો ઈન્કાર કરતાં મામલો ગરમાયો હતો.