Get The App

ખેરાળી નજીક સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ બનાવવાની હિલચાલનો વિરોધ

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
ખેરાળી નજીક સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ બનાવવાની હિલચાલનો વિરોધ 1 - image


- મુખ્યમંત્રી સહિતનાને લેખિત રજૂઆત

- શહેરથી પાંચ કિલોમીટર દૂર હોવાથી અરજદારો સહિતનાને મુશ્કેલી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત બનતા અલગ અલગ જગ્યાએ ભાડાના મકાનોમાં હાલ કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે અને નવુ બિલ્ડિંગ બનાવવા માટે ખેરાળી રોડ પર સરકાર દ્વારા જમીન ફાળવણી કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સરકારના આ નિર્ણય સામે શરૂઆતથી જ રોષ ભભૂકી ઉઠયો છે. આ અંગે નાગરિક દ્વારા મુખ્યમંત્રી તેમજ વિકાસ કમિશ્નરને લેખીત રજૂઆત કરી આ નિર્ણય પર ફેરવિચારણા કરવાની માંગ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં આરોગ્ય, બાંધકામ, મહેકમ, શિક્ષણ, ખેતીવાડી સહીત અનેક કચેરીઓ કાર્યરત હતી પરંતુ જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ અતિ જર્જરિત બનતા હાલ ખેતીવાડી, સિંચાઇ, પશુપાલન સહીતની કચેરીઓ અન્ય જગ્યાએ ખસેડવામાં આવી છે અને જિલ્લા પંચાયતનું નવુ બિલ્ડિંગ બનાવવા માટે સરકાર દ્વારા ખેરાળી ગામ નજીક જગ્યા ફાળવણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પરંતુ ખેરાળી ગામ પાસે જે જગ્યા ફાળવવામાં આવી છે તે શહેરથી અંદાજે પાંચ કિલોમીટર જેટલી દુર થાય છે. જેને લઇને જો આ જગ્યાએ જિલ્લા પંચાયત કચેરી બનાવવામાં આવે તો કચેરીમાં કામ અર્થે આવતા અરજદારોને સૌથી મોટી મુશ્કેલી વાહન વ્યવહારની થશે, કારણ કે શહેરથી ખેરાળી સુધી ખાનગી વાહન દ્વારા જવા સિવાય કોઇ વિકલ્પ ન હોવાથી વાહનચાલકોને મજબુરીથી મોંઘાદાટ ભાડા ખર્ચીને જવાની નોબત આવશે તેવું લોકો જણાવી રહ્યાં છે.

દસાડા, લખતર, ધ્રાંગધ્રા કે અન્ય તાલુકાના છેવાડના વિસ્તારમાંથી આવતા ગામડાના લોકો અને અરજદારોને કચેરી સુધી જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. જેને લઇને નાગરિક  જી.એલ.મકવાણા દ્વારા આ મામલે પંચાયતમંત્રી, વિકાસ કમિશ્નર તેમજ મુખ્યમંત્રીને લેખીતમાં રજૂઆત કરી તાત્કાલિક આ નિર્ણયમાં ફેરબદલ કરવા માંગ કરી છે.



Google NewsGoogle News