સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ખુલ્લેઆમ વેચાણ
- પાલિકા તંત્ર મૂકપ્રેક્ષક બન્યું
- વેપારીઓ અને ઉત્પાદનકર્તા સામે પગલાં લેવા માંગ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાનો બેફામ ઉપયોગ થતો હોવા છતાં પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં ના આવતી હોવાના આક્ષેપો ઉઠયા છે. પાલિકાના આંખ આડા કાન સામે શહેરીજનો રોષે ભરાયા છે અને યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી છે.
પચાસ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું બેફામ વેચાણ થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પાલિકા વિસ્તારમાં આ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન થતું હોવાના આક્ષેપો ઉઠયા છે.
શહેરમાં ઠેર ઠેર પ્રતિબંધિત પ્લાસ્ટિકના કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. પશુઓ આ કચરો ખાતા હોવાથી તેમના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે પાલિકાની રહેમ નજર હેઠળ પ્લાસ્ટિકનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ શહેરીજનોમાંથી ઉઠયા છે. ત્યારે આ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.