સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં માત્ર 33 ટકા જ પાણીનો જથ્થો
- શિયાળો અર્ધો પૂરો થયો ત્યાં પોરબંદર સહિત ચાર જિલ્લામાં અર્ધા ઉપરાંત ડેમો ખાલી
- મોટા ડેમોમાંથી પીવાનું પાણી અનામત રાખીને શિયાળુ પાકને અપાતું પાણી, તળાવો - ચેક ડેમોનાં ઉનાળા પહેલા તળીયા દેખાવાનાં સંકેતો
- સૌરાષ્ટ્રનાં ૧૪૧ ડેમોમાં ૩પ ટકા અને કચ્છમાં ૭૭ ટકા પાણીનો જથ્થો ખાલી ઃ રાજકોટમાં ૭૧ ટકા, પોરબંદરમાં ૪૧ ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૪૩ ટકા જ પાણીનો જથ્થો
રાજકોટ
શિયાળો હવે ઉતરાર્ધ તરફ આગળ વધી રહયો છે ઠંડીની સિઝન અર્ધા ઉપરાંતની પુરી થઈ ગઈ છે ત્યારે સૌરાષ્ટ્રનાં જળાશયોમાં ૩પ ટકા અને કચ્છમાં ૭૭ ટકા પાણીનો જથ્થો ખાલી થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, સુરેન્દ્રનગર, દેવભૂમી દ્રારકા સહિતનાં ચાર જિલ્લાઓમાં અર્ધા ઉપરાંતનાં ડેમો ખાલી થઈ ગયા છે.જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનાં જળાશયોમાં માત્ર ૩૩ ટકા જ પાણીનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. કચ્છ અને આ ચાર જિલ્લાઓમાં ઉનાળો શરુ થાય તે પૂર્વે જ પાણીની ચિંતાજનક સ્થિતિ ઉભી થાય તેવા સંકેતો મળી રહયા છે.
સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારુ ચોમાસુ ગયુ હોવાના અનુમાન વચ્ચે વાસ્તવિક સ્થિતિ એ છે કે ૧૪૧ મોટા ડેમોમાં સરેરાશ ૩પ ટકા જથ્થો ખાલી થઈ ગયો છે માત્ર બે ડેમ જ પુરા ભરેલા છે. રાજકોટ જિલ્લાનાં રપ જેટલા ડેમોમાં હાલ ૭૧ ટકા પાણી છે જયારે અર્ધાથી વધુ ડેમો ખાલી પડયા છે તેમાં પોરબંદર જિલ્લાનાં ડેમોમાં ૪૧ ટકા, દેવભૂમી દ્રારકા જિલ્લામાં ૪૩ ટકા, બોટાદ જિલ્લામાં ૩૪ ટકા અને સુરેન્દ્રનગર જિલ્લાનાં જળાશયોમાં માત્ર ૩૩ ટકા જ પાણીનો જથ્થો હોવાનું રાજયનાં જળસંપતિ વિભાગનાં અહેવાલમાં જણાંવાયું છે. કઈંક અંશે સારી ીસ્થતિ કહી શકાય તેમાં જયારે અમરેલી ૬૭ ટકા, ગીર સોમનાથ ૯૩ ટકા, જામનગર જિલ્લાનાં ડેમોમાં ૬ર ટકા, મોરબી પ૬ ટકા, અને જૂનાગઢ જિલ્લાનાં ડેમોમાં ૭૧ ટકા પાણીનો જથ્થો હાલ છે. સમગ્ર રાજયમાં કચ્છની હાલત ભર શિયાળે વિકટ છે કચ્છનાં મોટા ર૦ ડેમોમાં માત્ર ર૩ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. કચ્છનાં લોકોને આકરા ઉનાળાનાં ચાર મહિના પાણીની અતિ વિકટ સ્થિતિનો સામનો કરવો પડશે તેવા સંકેતો મળી રહયા છે. સૌરાષ્ટ્ર - કચ્છમાં નાના ચેક ડેમો - તળાવો પણ હવે અર્ધા ખાલી થઈ ગયા છે. તળાવો - ડેમોમાંથી હાલ શિયાળુ પાકને પાણી આપવામાં આવી રહયુ છે. મોટા ડેમોમાંથી પીવાનું પાણી અનામત રાખીને સિંચાઈ માટે અપાઈ રહયુ છે. ઉનાળા પહેલા રાજકોટ શહેરને પણ સૌની યોજનામાંથી પાણી આપવાની માગણી સરકાર પાસે કરવામાં આવી છે.
કયા જિલ્લાનાં ડેમોમાં કેટલા ટકા પાણી છે ?
સૌરાષ્ટ્રનાં કયાં જિલ્લામાં હાલ કેટલા ટકા પાણીનો જથ્થો છે તેનાં આંકડા પર નજર કરીએ તો રાજકોટ જિલ્લો ૭૧ , અમરેલી ૬૭ , ભાવનગર ૮૯ , બોટાદ ૩૪ , દેવભૂમી દ્રારકા ૪૩, ગીર સોમનાથ ૯૩ , જામનગર ૬ર , જૂનાગઢ ૭૧, મોરબી પ૬ , સુરેન્દ્રનગર ૩૩ ટકા પાણીનો જીવંત જથ્થો હાલ છે.