Get The App

આઈસર ચાલકે બે બાઈક, ટ્રેક્ટરને હડફેટે લેતા એક વ્યક્તિનું મોત, ચાર ઈજાગ્રસ્ત

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
આઈસર ચાલકે બે બાઈક, ટ્રેક્ટરને હડફેટે લેતા એક વ્યક્તિનું મોત, ચાર ઈજાગ્રસ્ત 1 - image


- રનોડા પાસે અકસ્માત સર્જી ચાલક આઈસર મૂકી ફરાર

- ધોળકા ચોળાફળી લેવા આવેલા નિવૃત્ત શિક્ષકને કાળ ભેટી ગયો: ટ્રેક્ટર નીચે પિતા- પુત્રી દબાયા

બગોદર : ધોળકા - સરખેજ હાઇવે પર રનોડા ગામના પાટિયા પાસે પુરપાટ દોડતી આઇશરનાં ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ જતાં બાઈકને ટક્કર મારતાં બાઇકસવાર ઘનશ્યામભાઈ કેશવલાલ શર્મા (નિવૃત્ત શિક્ષક રહે. ભાત ગામ, તા. દસક્રોઈ)ને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

મરણજનાર ઘનશ્યામભાઈ ધોળકા ચોળાફળી અને મઠિયાં લેવા આવ્યા હતા. ખરીદી કરીને તેઓ પરત ભાત ગામ જઈ રહ્યા હતા ત્યારે રનોડા પાસે તેમને કાળ ભેટી ગયો હતો. આ આઇસરના ચાલકે પુરપાટ વાહન દોડાવ્યે રાખીને આગળ જતાં ટ્રેકટરને પણ ટક્કર મારતા ટ્રેકટર રોડની સાઈડમાં જઈને ઊંધું પડી જતાં ટ્રેકટર ઉપર બેસેલ રનોડા ગામના મહેન્દ્રભાઈ વશરામભાઈ રાઠોડ અને તેમની દીકરી અનુષ્કા દબાઈ ગયા હતા. આસપાસથી દોડી આવેલા લોકોએ ટ્રેકટરને સીધું કરી બંને પિતા- પુત્રીને બહાર કાઢયા હતા. આ આઈસરના ચાલકે આગળ જતાં અન્ય એક બાઈકને પણ હડફેટે લેતા બાઇકસવાર દીપકભાઈ અને પૂજાબેનને ઇજા પહોંચાડી હતી. આ અકસ્માત સર્જીને આઇશર ચાલક આઇશર મૂકીને નાસી છૂટયો હતો. ધોળકા ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 

મૃતક ઘનશ્યામભાઈ શર્માના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી અપાયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત ચાર વ્યક્તિઓને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રભાઈ વશરામભાઈ રાઠોડ (રહે. રનોડા ગામ, તા. ધોળકા) એ અકસ્માત સર્જનાર આઇશર ચાલક વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News