સરલામાં ચોરી કરવા આવેલો એક શખ્સ ઝડપાયો, પાંચ ફરાર
- જેટકો સબસ્ટેશનમાં ચોરી કરવા આવ્યા હતા
- સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકોએ પીછો કરી શખ્સને ઝડપી પાડયો
સુરેન્દ્રનગર : મુળી તાલુકાના સરલા ગામે આવેલા જેટકો સબસ્ટેશન ખાતે એલ્યુમિનિયમના વાયરની ચોરી કરવા ત્રાટકેલી ગેંગને સિક્યુરિટી ગાર્ડ સહિતના માણસોએ પડકારી હતી. જેથી સિક્યુરિટી ગાર્ડને જોઇ નાસી છુટવાનો પ્રયત્ન કરતા ગેંગના ૬ શખ્સો પૈકી એકને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે પાંચ શખ્સો નાસી છુટયા હતા.
સરલા ગામે આવેલા જેટકો સબસ્ટેશનમાં ખુલ્લામાં પડેલા એલ્યુમિનીયમના વેસ્ટેડ ટુકડાની ચોરી કરવા ૬ શખ્સો મોડી રાત્રીના સબ સ્ટેશનમાં ઘુસ્યા હતાં. આ ગેંગને સિક્યુરિટી ગાર્ડ ભુપતભાઈ ટાંક જોઇ જતાં તેમણે અન્ય લોકોને જાણ કરતા દોડી આવ્યા હતા અને ચોરી કરવા આવેલા શખ્સોને પકડવા જતાં તમામ ૬ શખ્સોએ નાસી છુટવાનો પ્રયત્ન કર્યો હતો.
ત્યારે લોકોએ સામુ મનોજભાઇને ઝડપી લીધો હતો. જ્યારે રાજુભાઇ નરશીભાઇ વિરમગામી, સુરેશભાઈ પોપટભાઇ કુંઢીયા, નવઘણભાઇ કુંઢીયા, શંભુભાઇ ખાવડીયા અને સંજયભાઇ ધ્રાંગધરીયા નાસી છુટયા હતા. ઝડપાયેલા શખ્સની પુછપરછ કરતા, તે તેના સસરા રાજુભાઇ વિરમગામી અને અન્ય શખ્સો સાથે મળી ચોરી કરવા આવ્યા હોવાની કબુલાત કરી હતી.
મુળી પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.