Get The App

વઢવાણ જીઆઈડીસી ચોકડી પાસે થયેલ અકસ્માતમાં સારવાર દરમ્યાન વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
વઢવાણ જીઆઈડીસી ચોકડી પાસે થયેલ અકસ્માતમાં સારવાર દરમ્યાન વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું 1 - image


- અમદાવાદ સારવાર દરમ્યાન ટીંબાના વ્યક્તિનું મોત નીપજ્યું

- ડમ્પરચાલકે ત્રણ થી ચાર વાહનોને અડફેેટે લેતા અકસ્માત સર્જાયો હતો

- મહિલાના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

- ડમ્પરચાલક સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર જીઆઈડીસી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પુરપાટ ઝડપે દોડતા ડમ્પરનાચાલકે ત્રણ થી ચાર વાહનોને અડફેટે લીધા હતા જેમાં ટ્રેકટરમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાઈકને પણ અડફેટે લેતા બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે પૈકી એક વ્યક્તિનું સારવાર દરમ્યાન હોસ્પીટલ ખાતે મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાના પતિએ ડમ્પરચાલક સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતરના બજરંગપુરા રોડ પર રહેતા ફરિયાદી પ્રભાતભાઈ હરિભાઈ ઘોડ ઉ.વ.૩૮વાળા અને તેમના પત્ની આશાબેન સદ્દભાવના ટ્રસ્ટ હેઠળ કરવામાં આવેલ વૃક્ષોની દેખરેખ અને પાણી પીવડાવવાનું કામ કરે છે જે દરમ્યાન બન્ને પતિ-પત્નિ કામ પૂર્ણ થયા બાદ રતનપર તરફ ડિઝલ પુરાવવા જઈ રહ્યાં હતાં તે દરમ્યાન વઢવાણ જીઆઈડીસી ચોકડી પાસે પુરપાડ ઝડપે જઈ રહેલ ડમ્પરના ચાલકે ટ્રેકટરને પાછળથી અડફેટે લેતા ટ્રેકટર પર સવાર આશાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે મામલે મૃતકના પતિએ ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ડમ્પરચાલકે અન્ય એક બાઈકને પણ અડફેટે લેતાં બાઈક પર સવાર બે વ્યક્તિઓ નીચે પટકાયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી સુરેશભાઈ શાંતિભાઈ વણોલ ઉ.વ.અં.૪૦ રહે.ટીંબાવાળાને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પીટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક શખ્સ પ્રભાત ઉર્ફે પાર્થ મનુભાઈ વણોલ ઉ.વ.અં.૨૫ વાળા હાલ સારવાર હેઠળ છે. આ સિવાય પણ ડમ્પરચાલકે પીકઅપ તેમજ રીક્ષાને પણ અડફેટે લીધા હતા. આમ કાળમુખા ડમ્પરના ચાલકે અકસ્માત સર્જતા કુલ બે વ્યક્તિઓના મોત નીપજતા ડમ્પરચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.



Google NewsGoogle News