કારેલા-લીલાપુર વચ્ચે કાર પલટી જતાં એકનું મોત, બેને ગંભીર ઈજા
- લખતર તાલુકામાં અકસ્માતના બે બનાવ
- ઝમર પાસે કાપેલા ઝાડ સાથે કાર અથડાતા કારમાં સવાર બે લોકોને ઈજા
સુરેન્દ્રનગર : લખતર તાલુકામાં માર્ગ અકસ્માતના બે બનાવો બન્યા હતા. જેમાં કારેલા-લીલાપુર વચ્ચે કારચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત અને બે લોકોને ઈજા પહોંચી હતી. તેમજ ઝમર પાસે લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર કાપેલા વૃક્ષ સાથે કાર ઘડાકાભેર અથડાતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.
લખતરના કારેલા ગામે ધાર્મિક પ્રસંગમાં આવેલા ભરતભાઈ માવજીભાઈ પારધી (ઉં.વ. ૪૦, રહે.નાના અંકેવાળીયા), હરેશભાઈ ચતુરભાઈ પરમાર (ઉં.વ.૪૨, રહે.શેખપર) અને ચંદુભાઈ ચેહરભાઈ પરમાર (ઉં.વ.૩૫, રહે. અમદાવાદ) પ્રસંગ પૂર્ણ કરી કારમાં લખતર તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કારેલા અને લીલાપુર ગામ વચ્ચે કારચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ખાબકતા કારમાં સવાર ત્રણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જેની જાણ આસપાસના વાહનચાલકોને થતાં ઘટના સ્થળે પહોંચી ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ત્રણેય ઈજાગ્રસ્તોને પ્રથમ લખતર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી બે વ્યક્તિઓની હાલત ગંભીર હોય લખતરની સુરેન્દ્રનગર હોસ્પિટલે રીફર કરવામાં આવ્યા હતા પરંતુ ચંદુભાઈને વધુ ગંભીર ઈજાઓ હોવાથી અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં મોડીરાત્રે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર કારમાં અમદાવાદના દિપકભાઈ મુલચંદભાઈ મહેતા (ઉં.વ.૬૦) અને ધૃ્રપાલ શાહ (ઉં.વ.૪૫) સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન ઝમર પાસે આવેલા જીન નજીક ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર કાપેલા વૃક્ષ સાથે ઘડકાભેર અથડાઈ રોડની સાઈડમાં ગટરમાં ખાબકી હતી.
જેમાં કારચાલકને હાથે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ અન્ય એક વ્યક્તિને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો.
લખતર તાલુકામાં અલગ-અલગ બે બનાવોમાં એક વ્યક્તિનું મોત તેમજ અન્ય ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયામાં અંદાજે પાંચથી વધુ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત તેમજ ૧૨ વ્યક્તિને ઈજાઓ પહોંચવાના બનાવો બની ચુક્યા છે.