મોરથળા નજીક અકસ્માતમાં એકનું મોત, એકને ગંભીર ઈજા
- લોખંડની રેલિંગ સાથે બાઈક અથડાઈ
- થાનના મિત્રો વાંકાનેરની હોટલથી જમીને પરત ફરતા હતા
સુરેન્દ્રનગર : થાનમાં રહેતા બે મિત્રો વાંકાનેર હોટલમાંથી જમીને પરત આવતા હતા. તે દરમિયાન મોરથળા નજીક લોખંડની રેલિંગ સાથે બાઇક અથડાતા બાઇક સવાર એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચી હતી.
થાનમાં રહેતા ગેલાભાઇ લાભુભાઇ રૂદાતલા અને તેમના મિત્ર રણજીતભાઇ રમેશભાઈ કારડીયા બાઇક લઇ વાંકાનેર હોટલમાં જમવા ગયા હતા. જ્યાંથી જમીને રાત્રીના સમયે પરત થાન તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન બાઇક રણજીતભાઇ ચલાવી રહ્યા હતા.
ત્યારે મોરથળા ગામ જવાના રસ્તે આવાસના ક્વાર્ટર પાસે લોખંડની રેલિંગ સાથે બાઇક અથડાતા બાઇકમાં સવાર બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ દ્વારા બંનેને સારવાર માટે થાન હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પરના ડોક્ટરે ગેલાભાઇ રૂદાતલાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બાઇકના ચાલક રણજીતભાઇને ગંભીર ઇજાઓ થઇ હોવાથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા. આ અંગે મૃતકના ભાઇ અજયભાઇએ બાઇકના ચાલક વિરૂધ્ધ થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.