ચોટીલા હાઈવે પર મઘરીખડા ગામ પાસે કારની અડેફેટે એકનું મોત
- અકસ્માત સર્જી કારચાલક નાસી છુટયો
- ઈજાગ્રસ્તને સારવાર મળે તે પહેલા જ દમ તોડયો : કારચાલક સામે ગુનો
સુરેન્દ્રનગર : ચોટીલા હાઈવે પર મઘરીખડા ગામના પાટીયા પાસે કારચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી એક વ્યક્તિને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવ્યું હતું. જે અંગે મૃતકના ભાઈએ કારચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે મઘરીખડા ગામ નજીક હોટલ સામે રાજુભાઈ બોરીયા પીકઅપ ગાડી પાસે ઉભા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે ચાલતી કારના ચાલકે રાજુભાઈને અડફેટે લેતા માથાના તેમજ હાથે અને પગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ચોટીલા સરકારી હોસ્પીટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે અકસ્માત બાદ કારચાલક નાસી છુટયો હતો જે અંગે ચોટીલા પોલીસ મથકે મૃતકના ભાઇ માધાભાઈ ઉર્ફે નરેશભાઈ કાળુભાઈ બોરીયાનાએ કારચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.