ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર કાર અને બાઈક અથડાતા એકનું મોત
- ધ્રાંગધ્રાના સોની તલાવડીના યુવાનું મૃત્યુ
- દુદાપુર ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર દુદાપુર ગામના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. જે બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.
ધ્રાંગધ્રા શહેરના સોની તલાવડી વિસ્તારમાં રહેતા દિલીપભાઈ પ્રભુભાઈ સોનાગરા ઉ.વ.૪૫ વાળા બાઈક લઈને દર્શનાર્થે જઈ રહ્યાં હતાં તે દરમિયાન દુદાપુર ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ કાર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે બાઈકચાલક દિલીપભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.
જ્યારે આ અકસ્માતને પગલે આસપાસના વાહનચાલકો સહિત લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા અને મૃતકના પરિવારજનો તેમજ ૧૦૮ ટીમને જાણ કરી હતી તેમજ ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથધરી હતી. અકસ્માતમાં બાઈકચાલકના મોતથી પરિવારજનો સહિત મિત્રવર્તુળમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.