કારની ટક્કરે બાઈક સવાર એકનું મોત, બેને ગંભીર ઈજા
- વડોદ-વસ્તડી હાઈવે પર અકસ્માત
- પત્નીનું સારવાર દરમિયાન મોત, પતિ અને 1 વર્ષની દીકરી રાજકોટ હોસ્પિટલ ખસેડાયાં
સુરેન્દ્રનગર : વડોદ-વસ્તડી હાઇવે પર કારની ટક્કરે બાઈક સવાર દંપતી અને એક વર્ષની બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અકસ્માત મામલે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા હિતેશભાઇ બિજલભાઇ રાઠોડ તેમના પત્ની લલિતાબેન અને ૧૨ માસની દીકરી જેનિષાને લઇને બાઇક પર વસ્તડી મેલડી માતાના મંદિરે દર્શન કરવા જઇ રહ્યાં હતાં.
તે દરમિયાન વડોદ-વસ્તડી હાઇવે પર પાછળથી આવતી કારના ચાલકે હિતેશભાઇના બાઇકને ટક્કર મારતા હિતેશભાઇ, તેમના પત્ની અને બાળકી બાઇકમાંથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી ત્રણેયને ૧૦૮ દ્વારા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં.
જ્યાં સારવાર દરમિયાન લલિતાબેનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે હિતેશભાઇ તેમજ ૧ વર્ષની દીકરીને ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગે કારના ચાલક વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.