થાનમાં યુવક પર છરી અને લાકડાના ધોકાથી હુમલો
- ચોરી કર્યાનું મનદુઃખ રાખીને
- હુમલો કરનારા પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર : થાનમાં રહેતા યુવાને બે દિવસ પહેલા એક કારના કાચ તોડી કારમાંથી રૂ.૧ હજારની ચોરી કરી હતી. ત્યારે આ બાબતનું મનદુઃખ રાખી પાંચ શખ્સોએ યુવાન પર છરી તેમજ લાકડાના ધોકા વડે હુમલો કરતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલ લઇ જવાયો હતો. આ અંગે થાન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
થાનમાં રહેતા મયુરભાઇ ઉર્ફે ગની ભોજાભાઇ પરમાર વિરૂધ્ધ અગાઉ કારના કાચ તોડી ચોરી કરવા અંગેની ફરિયાદ નોંધાઇ હતી. જે બાબતનું મનદુઃખ રાખી પાંચ શખ્સોએ યુવાન પર છરી તેમજ ધોકા વડે હુમલો કર્યો હતો. મયુરભાઇ બાઇક લઇ જીઆઇડીસી પાસેથી પસાર થઇ રહ્યા હતા.
તે દરમિયાન આકાશભાઇ ગીરીશભાઇ પરમાર તેમજ પ્રતિકભાઇ ઉર્ફે કાનો સુખાભાઇ પરમાર ધોકો લઇ ધસી આવ્યા હતા અને અપશબ્દો બોલીને બંને શખ્સો મયુરભાઈને છરી તેમજ ધોકા વડે માર મારવા લાગ્યા હતા. આથી મયુરભાઇ ભાગવાનો પ્રયાસ કરતા આગળ જતાં મયુરભાઇ ઉર્ફે મસ્તી જગદીશભાઇ પરમાર, ખુશવંતભાઇ ઉર્ફે ખોડો જગદીશભાઇ પરમાર અને દીલીપભાઇ સુખાભાઇ પરમાર નામના ૩ શખ્સો પણ ધસી આવ્યા હતા અને મયુરભાઇને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતાં.
આથી લોકોનું ટોળુ એકઠુ થતાં તમામ પાંચ શખ્સો નાસી છુટયા હતાં. જ્યારે ઇજાગ્રસ્ત મયુરભાઇ ઉર્ફે ગની ભોજાભાઇ પરમારને પ્રથમ થાન સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા પરંતુ ઇજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઇ જવામાં આવ્યા હતાં.
આ અંગે થાન પોલીસે હુમલો કરનારા પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તમામને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.