થાનમાં યુવક પર સગા ભાઈ સહિત સાત શખ્સોનો હુમલો

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
થાનમાં યુવક પર સગા ભાઈ સહિત સાત શખ્સોનો હુમલો 1 - image


- જમીનની ઉપજની લેતીદેતીમાં ઝઘડો

- યુવકની કાર સાથે ટ્રેક્ટર અથડાવી લાકડીથી માર માર્યાની ફરિયાદ

સુરેન્દ્રનગર : 

થાનના રૂપાવટી ગામનો યુવાન ગાડી લઇ થાન તરફ જઇ રહ્યો હતો તે દરમિયાન એક ટ્રેક્ટરના ચાલકે ગાડી સાથે ટ્રેક્ટર અથડાવ્યા બાદ ૩ બાઇકમાં ધસી આવેલા ૭ શખ્સોએ લાકડી વડે હુમલો કરતા યુવાનને ઇજાઓ પહોંચી હતી. તેમજ ગાડી પર પણ લાકડીના ઘા મારી ગાડીને પણ નુકસાન પહોંચાડયું હતુ. આ મામલે ઇજાગ્રસ્ત યુવાને ૭ વ્યક્તિઓ સામે થાન પોલીસ મથકે  ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 રૂપાવટીમાં રહેતા ગેલાભાઇ ગગજીભાઇ સભાડ અન્ય બે વ્યક્તિઓ સાથે બોલેરો ગાડીમાં થાનથી રૂપાવટી તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન ટ્રેક્ટર લઇ આવી રહેલા કરણભાઇ હરીભાઇ અલગોતરે ટ્રેક્ટર ગાડી સાથે અથડાવ્યું હતુ અને બે વાર ટ્રેક્ટરની ટક્કર મારતા ગાડી રોડની સાઇડમાં નમી ગઈ હતી. ત્યાર બાદ કરણ  તેમજ ૩ બાઇકમાં લાકડી લઇ આવેલા અજયભાઇ હરીભાઇ અલગોતર, હરીભાઇનો ભાણો, છેલાભાઇ ગગજીભાઇ સભાડ, સંજયભાઇ છેલાભાઇ સભાડ અને અન્ય બે અજાણ્યા શખ્સો સહીત કુલ ૭ વ્યક્તિઓએ લાકડી વડે હુમલો કરી ગેલાભાઇને ઇજા પહોંચાડી હતી.

 તેમજ બોલેરો ગાડી પર પણ આડેધડ લાકડીના ઘા મારી ગાડીને નુકસાન પહોંચાડી તમામ  સાત શખ્સો નાસી છુટયા હતા. જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે થાન સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. આ મામલે ગેલાભાઇએ  તેમના સગા મોટાભાઇ છેલાભાઇ ગગજીભાઇ સભાડ સહીત ૭ શખ્સો સામે જમીનની ઉપજના રૂપિયાની લેતીદેતી મામલે હુમલો કર્યા અંગે થાન પોલીસ મથકે  ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી  છે.


Google NewsGoogle News