સુરેન્દ્રનગર ઘાંચીવાડમાં ચીકનના ભાવ પુછવા બાબતે યુવાન પર હુમલો
- ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ઘાંચીવાડમાં ચીકનની દુકાને કામ કરી રહેલા યુવાનને ચીકનના ભાવ પુછવા બાબતે એક શખ્સે છરીના ઘા ઝીંકી દેતા ચકચાર મચી જવા પામી છે. છરીના ઘા વાગતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્ત યુવાને હુમલો કરનાર શખ્સ વિરૃધ્ધ સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર શહેરમાં નજીવી બાબતે મારામારીના બનાવો બની રહ્યાં છે અને ગુનેગારોને પોલીસનો કોઇ ડર ન હોય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે નજીવી બાબતમાં એક યુવાનને છરીના ઘા ઝીંકી દેવાનો બનાવ બન્યો છે.
આ અંગે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર ઘાંચીવાડમાં આવેલ ચીકનની દુકાને રમજાનભાઇ દાઉદભાઇ પરમાર કામ કરી રહ્યાં હતા તે દરમિયાન રાકેશભાઇ મહેન્દ્રભાઇ મોચી દુકાને આવ્યા હતા અને ચીકનના ભાવ પુછતા રમજાનભાઇએ ચીકનના ભાવ કહી પોતાનું કામ કરવા લાગ્યા હતા ત્યારે થોડી વાર બાદ રાકેશભાઇ છરી સાથે ધસી આવ્યા હતા અને રમજાનભાઇ કાંઇ સમજે તે પહેલા તેમને પડખાના ભાગે છરીનો ઘા ઝીંકી દઇ નાસી છુટયો હતો. રમજાનભાઇને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર સી.જે.હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. ઇજાગ્રસ્ત રમજાનભાઇએ સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકે રાકેશભાઇ મહેન્દ્રભાઇ મોચી વિરૃધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યાં છે.