શિક્ષકોની ઘોર બેદરકારી : ૨૦ બાળકો શાળામાં રહી ગયા, શિક્ષકો તાળુ મારી જતાં રહ્યાં
- પાટડીની ફતેપુરા પ્રાથમિક શાળાનો બનાવ
- તાલુકા શિક્ષણાધિકારીએ આચાર્યને બોલાવી ખુલાસો માગ્યો, નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરાઈ
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના ફતેપુર પ્રાથમિક શાળાના રૂમને તાળુ મારી વિદ્યાર્થીઓને પુરી શિક્ષકો ઘરે જતા રહ્યાં હતાં. જે અંગે વાલીઓને જાણ થતાં શાળાના ગેઈટ તોડી ગભરાયેલા બાળકોને બહાર કાઢયાં હતાં. આ મામલે તાલુકા શિક્ષણાધિકારીએ આચાર્યને બોલાવી સમગ્ર બનાવ અંગે ખુલાસો તથા નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરી છે.
ફતેપુર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ-૧ થી ૮માં અંદાજે ૩૦૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ બાળકો પૈકી ધોરણ-૧ ના અંદાજે ૨૦થી વધુ બાળકો શાળાના રૂમમાં હતાં. તે દરમિયાન શિક્ષકો આ રૂમ લોક કરી ઘરે જતાં રહ્યાં હતાં.
બાળકો શાળામાં પુરાઈ જતાં રડવા સાથે આક્રંદ કરવા લાગતા વાલીઓ તેમજ ગામના સરપંચ સહિતના આગેવાનો શાળાએ દોડી આવ્યા હતા અને શાળાનો મુખ્ય ગેઈટ તોડી તમામ વિદ્યાર્થીઓને સહિ સલામત બહાર કાઢયા હતા. જ્યારે બહાર આવ્યા બાદ પણ બાળકોમાં ગભરાહટ જોવા મળી હતી અને બાળકો રડતા હતા.
આ અંગેનો વીડિયો પણ વાલીએ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે શિક્ષકોની બેદરકારી સામે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો અને રોષે ભરાયેલા વાલીઓ અને આગેવાનોએ શિક્ષકોને ઉધડા લઈ શાળા ખાતે હલ્લાબોલ કર્યો હતો અને બે કલાકની ભારે જહેમત બાદ મામલો થાળે પડયો હતો.
આ સમગ્ર બનાવને શિક્ષકો અને આચાર્ય દ્વારા માફી માંગી દબાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં પરંતુ વાલીઓ અને આગેવાનો એકના મેક થયા નહોતા.
જ્યારે આ મામલે તાલુકા શિક્ષણાધિકારી અંબુભાઈ સોલંકીના જણાવ્યા મુજબ, શિક્ષકો અને તમામ બાળકો ઘરે જતાં રહ્યાં હશે તેવું માની શાળાના ગેઈટને લોક મારી પોતાના ઘરે જતા રહ્યાં હતા પરંતુ બાળકો શાળામાં બંધ હોવાનું જણાઈ આવતાં તરત જ શાળાનો દરવાજો ખોલી તમામ બાળકોને બહાર કાઢયા હતા. તેમજ આ મામલે શાળાના આચાર્ય ગોવિંદભાઈને બોલાવી સમગ્ર બનાવ અંગે ખુલાસો તેમજ નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.