Get The App

રતનપરમાં ગટરની સફાઈ માટે ગયેલી પાલિકાની ટીમ પર હુમલો

Updated: May 4th, 2024


Google NewsGoogle News
રતનપરમાં ગટરની સફાઈ માટે ગયેલી પાલિકાની ટીમ પર હુમલો 1 - image


- પાલિકાના વોર્ડ નં.૯નો બનાવ

- એક શખ્સે અપશબ્દો બોલી, પાલિકાના વાહનમાં તોડફોડ કરી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર ૯ રતનપર વિસ્તારમાં આવેલ નારાયણપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઇ માટે ગયેલી પાલિકાના ટીમ પર એક શખ્સ દ્વારા હુમલો કરી અપશબ્દો બોલી વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે જોરાવરનગર પોલીસ મથકે લેખીતમાં રજૂઆત કરવામાં આવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર ૯ માં આવેલા નારાયણપરા વિસ્તારમાં ભુગર્ભ ગટર અંગેની ફરિયાદ મળતા પાલિકાના એન્જીનીયર પ્રતિકભાઇ શાહ, શુભમભાઈ પટેલ સહીતની ટીમ ભૂગર્ભ ગટરની સફાઈ માટેની ગાડી લઇને સફાઇ કામગીરી માટે ગયાં હતાં. 

તે દરમિયાન અચાનક ઘનશ્યામભાઇ ભડાણીયા નામનો શખ્સ ધસી આવ્યો હતો અને પાલિકાની ટીમના સભ્યોને અપશબ્દો બોલી, ગાડીની ચાવી લઇ ગાડીનું બમ્પર તેમજ હેડલાઇન તોડી નાંખી હતી. અને વોર્ડના એન્જીનીયર પ્રતિકભાઇ શાહને માર મારવા લાગતા પાલિકાની ટીમના અન્ય માણસો વચ્ચે પડતા ઘનશ્યામભાઇ ધોકો લઇને મારવા દોડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 તેમજ પાલિકાની ટીમને ધમકી આપી હતી કે, મારા વિસ્તારમાં કામ કરવું હોય તો મને હપ્તો આપવો પડશે, બાકી અમારા વિસ્તારમાં કામ કરવા આવશો તો હવે પછી જીવત જવા નહી દઇએ. આથી આ અંગે ભોગ બનનાર શુભમભાઇ પટેલે ઘનશ્યામભાઇ ભડાણીયા વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે લેખીત રજૂઆત કરતા જોરાવરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News