લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકચાલકોએ ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કર્યા
- અકસ્માતમાં કડક સજાના નવા કાયદાના વિરોધમાં
- વાહનોની લાંબી કતારો લાગી:પોલીસની અડધો કલાકની સમજાવટ બાદ મામલો થાળે પડયો
સુરેન્દ્રનગર : તાજેતરમાં સરકાર દ્વારા માર્ગ અકસ્માતના બનાવો રોકવા હિટ એન્ડ રન સહિતના કેસમાં કાયદામાં ફેરફાર કરી નવો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. જેનો સમગ્ર દેશ સહિત રાજ્યમાં ઠેરઠેર મોટાવાહનના ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકચાલકોએ નવા કાયદાના વિરોધમાં ચક્કાજામ કર્યો હતો.
તાજેતરમાં સરકાર દ્વારા અકસ્માત અંગે નવો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. જે મુજબ હિટ એન્ડ રનના બનાવોમાં વાહનચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી સાથે દસ વર્ષની સજા તેમજ ૭ લાખના દંડની જોગવાઈ કરતો નવો કાયદો અમલી બનાવતા ઠેરઠેર ટ્રકચાલકોમાં તેનો વિરોધ જોવા મળી રહ્યો છે.
ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર સીએનજી પંપ પાસે ટ્રકચાલકોએ ચક્કાજામ કર્યો હતો અને હાઈવે પરથી પસાર થતાં વાહનોને પણ રોકી સરકારના નવા કાયદા સામે સુત્રોચ્ચાર કર્યા હતાં અને કાયદો રદ્દ કરવાની ઉગ્ર માંગ કરી હતી.
જ્યારે ચક્કાજામને પગલે હાઈવે પર ટ્રાફિકજામ તેમજ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ બનાવની જાણ થતાં લખતર પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ટ્રકચાલકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. અંદાજે ૩૦ મિનીટની જહેમત બાદ મામલો થાળે પડતા વાહન વ્યવહાર ફરી શરૂ થયો હતો.
આગામી દિવસોમાં નવો કાયદો રદ્દ કરવામાં નહિ આવે તો ટ્રકચાલકોએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.