ખોડુ-રૂપાવટી રોડ પર રોઝ આડુ ઉતરતા કાર વીજપોલ સાથે અથડાઈ
- કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
- અકસ્માતમાં કાર ચાલક અને ત્રણ યુવતીઓને ઈજા પહોંચી
સુરેન્દ્રનગર : ખોડુ રૂપાવટી રોડ પર જઇ રહેલી કારની આડે રોઝ આડુ ઉતરતા કારને ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર રસ્તાની સાઇડમાં આવેલા વીજથાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક સહિત ચારને ઇજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં.
વઢવાણ તાલુકાના રૂપાવટી ગામે રહેતા દીપીકાબેન રવજીભાઇ ચાવડા તેમજ અન્ય યુવતીઓ સુરેન્દ્રનગરની એક કંપનીમા ફરજ બજાવી ઇકો કારમાં પોતાના ઘર તરફ જઇ રહ્યાં હતાં. ખોડુ રૂપાવટી રોડ પર કાર પુરપાટ ઝડપે પસાર થઇ રહી હતી. તે દરમિયાન એક રોઝ અચાનક કારની આડે ઉતરતા કારના ચાલક રવીભાઇ ઘનશ્યામભાઇ ટીંબલે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.
જેથી કાર રસ્તાની સાઇડમાં આવેલા વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર દીપીકાબેન ચાવડા, મિત્તલબેન પ્રવિણભાઇ ચાવડા, સીમાબેન બાબુભાઇ ચાવડા અને કારના ચાલક રવિભાઇ ટીંબલને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત અંગે ઇજાગ્રસ્ત યુવતીઓના પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ખાનગી વાહનમાં ઇજાગ્રસ્ત યુવતીઓને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.
આ બનાવ અંગે ઇજાગ્રસ્ત દીપીકાબેને કારના ચાલક રવીભાઇ ટીંબલ વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.