ખુલ્લા પ્લોટમાં બાવળ દૂર કરવાની ના પાડતા માતા-પુત્રી પર હુમલો
- ધ્રંગધ્રાના ક્રિષ્ના પાર્ક વિસ્તારની ઘટના
- જાનથી મારી નાખવાની ધમકી આપી : બે શખ્સ સામે ફરિયાદ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરમાં બાવળ દૂર કરવાની ના પાડવા મામલે માતા-પુત્રીને ગાળો આપી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ ફરિયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે બે શખ્સ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ક્રિષ્નાપાર્કમાં રહેતા મંજુલાબેન વાસુદેવભાઇ કણઝરીયાના ઘર પાસે આવેલા પ્લોટમાં ગૌતમભાઇ ભલજીભાઇ જાદવ ઝાંડી ઝાંખરા અને બાવળો દુર કરી રહ્યાં હતાં. આથી મંજુલાબેને બાવળો અને ઝાંડી ઝાંખરા દુર કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા ગૌતમભાઇ ભલજીભાઇ જાદવ અને કૈલાશબેન ગૌતમભાઇ જાદવે મંજુલાબેન તેમજ તેમની દિકરી સાથે ઝઘડો કરી ગાળો આપી ગડદાપાટુુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે ઇજાગ્રસ્ત મંજુલાબેને ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગૌતમભાઇ ભલજીભાઇ જાદવ અને કૈલાશબેન ગૌતમભાઇ જાદવ વિરૃધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસની હાથ ધરી છે.