રતનપરમાં બાકી વીજબિલ ઉઘરાવવા ગયેલા વીજકર્મી પર હુમલો
- એક શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાયો
- લાકડીથી માર મારીને કાપેલું વીજ કનેક્શન ફરીથી જોડાવ્યું હોવાની ફરિયાદ
સુરેન્દ્રનગર : રતનપરની ઉમિયા ટાઉનશીપમાં બાકી વીજબિલ ઉઘરાવવા ગયેલા વીજકર્મચારીને લાકડીથી માર મારીને કટ કરેલું વીજ કનેક્શન જોડાવ્યું હતું. આ અંગે હુમલો કરનાર શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
જોરાવરનગર પીજીવીસીએલમાં ફરજ બજાવતા લાઇનમેન સંજયકુમાર વામનરાય મહેતા રતનપર ઉમિયા ટાઉનશીપ-૩માં બાકી વીજબીલની ઉઘરાણી માટે ગયા હતા. જ્યાં ત્રંબકલાલ માધવજીભાઇ પંડયાના બાકી વીજબીલની ઉઘરાણી કરતા તેમણે ઓનલાઇન ભરી દેવાનું જણાવતા વીજકર્મી સંજયકુમાર ત્યાંથી આગળ ઘંટીવાળીની દુકાને ઉભા હતા.
તે દરમિયાન અભિષેક ત્રંબકલાલ પંડયા નામનો શખ્સ કાર લઇ ધસી આવ્યો હતો અને કારમાં બેસી જવાનું કહ્યું હતુ પરંતુ સંજયભાઇએ ના પાડતા ઉશ્કેરાયેલા અભિષેકભાઇએ લાકડી વડે માર માર્યો હતો. તેમજ વધુ મારવાની ધમકી આપી ઉમિયા ટાઉનશીપમાં કમળાબેન ભીખાભાઇ શેખનું જે વીજ કનેક્શન કટ કર્યું હતું તે પણ જોડાવ્યું હતુ.
આ આ અંગે પીજીવીસીએલના અધિકારીઓને જાણ થતાં ઇજાગ્રસ્ત લાઇનમેનને સારવાર માટે ગાંધી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે હુમલો કરનાર અભિષેક ત્રંબકલાલ પંડયા વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.