ધોળાદિવસે લૂંટારૃ ઘરમાં ઘૂસી હત્યા સાથે લૂંટ ચલાવી ફરાર
- માંડલના રખિયાણા ગામમાં વૃદ્ધાની હત્યા કરી રૃા. 1.20 લાખના
દાગીનાની લૂંટ
- દત્તક પુત્રના ઘરેથી વૃદ્ધા દોઢ મહિના પહેલા જ આવ્યા હતા :
તસ્કરે વૃદ્ધાના બંને કાન કાપી શરીર પરના બધા દાગીના પડાવી લીધા
- ડીવાયએસપી,
ડૉગસ્ક્વૉડ સહિતના પોલીસ કાફલાનો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ
માંડલ : માંડલના રખિયાણા ગામમાં ધોળાદિવસે વૃદ્ધાની હત્યા કરી શરીર પરના રૃા. ૧.૨૦ લાખના સોનાના દાગીનાની લૂંટ ચલાવી લૂંટારૃ ફરાર થઈ ગયો હતો. વૃદ્ધા અમદાવાદ રહેતા દત્તક પુત્રના ઘરેથી દોઢ મહિના પહેલા જ રખિયાણા ગામમાં તહેવારના લીધે રહેવા આવ્યા હતા. પ્રથમ તપાસમાં લૂંટારૃએ વૃદ્ધાના બંને કાન કાપીને હત્યા કરી નાખી હોવાનું ખૂલ્યું છે. ઘટનાને પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલાએ ડૉગસ્ક્વૉડની મદદથી મંગળવારે મોડી રાત સુધી પગેરૃ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.
માંડલના રખિયાણા ગામના નર્મદાબેન ઉર્ફે નબુબેન ચંદુભાઈ પટેલ
(ઉં.વ.૭૫) નિઃસંતાન હોવાથી પાર્થભાઈ નરેન્દ્રભાઈ પટેલ (ઉં.વ.૨૭, રહે. અમદાવાદ)ને
દત્તક લીધો હતો. નર્મદાબેન અમદાવાદ પુત્ર પાર્થના ઘરે રહેતા અને ક્યારેક રખિયાણા
ગામે મોટા વાસના મકાનમાં પણ રહેવા આવતાં હતાં. તહેવારને લીધે પુત્ર નર્મદાબેનને
રખિયાણા ગામના ઘરે મૂકી ગયો હતો. જેથી દોઢ મહિનાથી નર્મદાબહેન ઘરે એકલા રહેતા હતા.
તા. ૧૨મીએ બપોરે ૧૨.૩૦થી ૩ વાગ્યા દરમિયાન ઘરમાં એકલા હતા ત્યારે કોઈ શખ્સ
નર્મદાબેનના કાનના ભાગે તિક્ષ્ણ હથિયાર ઝીંકી હત્યા કરી શરીર પરના દાગીના સહિતની
લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. ઘટનાની પ્રથમ જાણ કુટુંબી ભત્રીજા દશરથભાઈને થતા તેણે
પાર્થને જાણ કરી હતી. કામાર્થે ધોલેરા ગયેલો પુત્ર પાર્થ રખિયાણા આવી પહોંચ્યો
હતો.
હત્યા થયાની જાણ થતા ગ્રામજનોના ટોળા પણ ઉમટયા હતા. ઘટનાની
જાણ થતા ડીવાયએસપી, ડૉગસ્ક્વૉડ
સહિતનો કાફળો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસની પ્રથમ તપાસમાં મૃતકના બંને કાનની
બુટ કાપી લીધી હતી. બંને કાનની સોનાની બુટ્ટી (અડધો તોલા) રૃા. ૨૫,૦૦૦, દોઢ તોલાની
સોનાની કંઠી રૃા. ૩૦,૦૦૦, બે સોનાની બંગડીઓ
રૃા. ૪૫,૦૦૦, બે વીંટીઓ રૃા.
૨૦,૦૦૦ મળીને કુલ
૧.૨૦ લાખના સોનાના દાગીનાની લૂંટ કરી આરોપી વૃદ્ધાની હત્યા કરી ફરાર થઈ ગયો
હોવાનું ખૂલ્યું હતું.
સ્નિફર ડૉગે આપેલાં સંકેતોને આધારે પોલીસનો મોડી રાત સુધી તપાસનો
ધમધમાટ શરૃ રહ્યો હતો. મોડી રાતે વૃદ્ધાની લાશને પ્રથમ માંડલ આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. આ અંગે પાર્થભાઈ નરેન્દ્રભાઈ
પટેલે માંડલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા, લૂંટ સહિતના ગુના
અંગે વધુ તપાસ શરૃ કરી છે.