ચોટીલા-આણંદપુરા રોડ પર આઠ દુકાનોના તાળાં તોડી ચોરી કરી તસ્કરો ફરાર

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
ચોટીલા-આણંદપુરા રોડ પર આઠ દુકાનોના તાળાં તોડી ચોરી કરી તસ્કરો ફરાર 1 - image


- લીંબડીમાં એટીએમ તોડી 25.38 લાખની ચોરી થયાના બીજા દિવસે મોટો હાથફેરો 

- સીસીટીવી ફૂટેજમાં ચાર શખ્સો ચોરી કરતા નજરે પડયા ઃ ઝાલાવાડમાં તસ્કરો બેફામ બનતા વેપારીઓમાં ફફડાટ ઃ પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ 

સુરેન્દ્રનગર,ચોટીલા : ચોટીલા તાલુકાના આણંદપુર રોડ પર તસ્કરોએ એક જ રાતમાં ૮ જેટલી દુકાનોના તાળા તોડી ચોરી કરી હતી. જેમાં એક દુકાનમાં તાળુ તોડી ચોરી કરવા જતા ચાર તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝાલાવાડમાં દિવસેને દિવસે ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે જ લીંબડીમાં ત્રાટકેલા તસ્કરો એટીએમ તોડીને રૂપિયા ૨૫.૩૮ લાખ લઈને ફરાર થઈ ગયા હતા. જેના બીજા જ દિવસે ૮ દુકાનોના તાળા તૂટતા પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબીત થયા છે. તેમજ વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સઘન પોલીસ પેટ્રોલિંગની માંગ ઉઠી છે.  

ચોટીલાના આણંદપુર રોડ પર આવેલી અલગ-અલગ ૮ દુકાનોને તસ્કરોએ મોડીરાત્રે ટાર્ગેટ બનાવી હતી અને દુકાનોના તાળા તોડી રોકડ રકમ સહિત મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયા હતા. આ અંગે દુકાનદારોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

 જ્યારે એક દુકાનના સીસીટીવીમાં ચાર તસ્કરો સાધનો વડે દુકાનનું શટર ઉચું કરી ચોરી કરવા અંદર પ્રવેશતા નજરે પડયા હતા. જેને આધારે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે એક સાથે ૮ દુકાનોના તસ્કરો દ્વારા તાળા તોડી મોટીરકમની ચોરીનો બનાવ બનતા પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબીત થયા હોવાનો રોષ દુકાનદારોમાં વ્યાપ્યો છે.  



Google NewsGoogle News