સ્વચ્છતા હી સેવા પખવાડીયાની ઉજવણી વચ્ચે વઢવાણના ૯૦ થી વધુ સફાઇ કામદારો પગાર મામલે અઠવાડિયાથી હડતાળ પર
- કોન્ટ્રાક્ટર દ્વારા બે માસનો પગાર ચૂકવવામાં ન આવતા રોષે ભરાયેલા સફાઇ કામદારોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું
- કોન્ટ્રાક્ટની મનમાનીના કારણે સફાઇ કામદારો પગારથી વંચીત
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર ફરજ બજાવતા ૯૦ થી વધુ કર્મચારીઓને કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા બે માસથી પગાર ન ચૂકવવામાં આવતા રોષે ભરાયેલા સફાઇ કામદારોએ સફાઇ કામગીરી બંધ કરી દઇ હડતાળનું શધ ઉગામ્યું છે ત્યારે સ્વચ્છતા હી સેવા પખવાડીયાની ઉજવણીની મસમોટી વાતો વચ્ચે સફાઇ કામદારોને પુરતો પગાર ચૂકવવામાં ન આવતા સફાઇ કામદારોની હાલત કફોડી બની છે.
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝ કામ કરતા વઢવાણના ૯૦ થી વધુ સફાઇ કામદારોને કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા બે માસથી બાકી પગાર ચૂકવવામાં ન આવતા સફાઇ કામદારોની હાલત કફોડી બની છે. અને આ મામલે સફાઇ કામદારો દ્વારા અવારનવાર કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ કાર્યવાહી કરવાના બદલે માત્ર આશ્વાસન આપતા છેલ્લા એક અઠવાડિયાથી ૯૦ થી વધુ સફાઇ કામદારોએ વઢવાણના અલગ અલગ વિસ્તારમાં સફાઇ કામગીરી બંધ કરી દીધી છે. જો કે તેમ છતાં કોન્ટ્રાક્ટના પેટનું પાણી પણ ન હલતા રોષે ભરાયેલા સફાઇ કામદારો રજૂઆત કરવા પાલિકા કચેરીમાં દોડી આવ્યા હતાં જ્યાં સેનિટેશન ચેરમેન હરેશભાઇ જાદવ તેમજ પાણી પુરવઠા વિભાગના ચેરમેન જગદીશભાઇ પરમારને સફાઇ કામદારોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને આ મામલે પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર વિરૃધ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા સફાઇ કામદારોને લઘુત્તમ વેતન મુજબ પગાર ન ચૂકવવામાં આવતો હોવાનું તેમજ નિયમિત પગાર ચૂકવવામાં ન આવતા સફાઇ કામદારોની હાલત કફોડી બની છે. ત્યારે આ મામલે પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર વિરૃધ્ધ યોગ્ય કાર્યવાહી કરી સફાઇ કામદારોને બાકી પગાર તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.
પાલિકા તંત્રએ કોન્ટ્રાક્ટરને પાંચથી વધુ નોટીસો ફટકારી
કોન્ટ્રાક્ટર દ્વારા સફાઇ કામદારોને નિયમિત પગાર ચૂકવવામાં ન આવતા તેમજ સફાઇ કામદારોના પડતર પ્રશ્નો અંગે પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને પાંચથી વધુ નોટીસ ફટકારી છે પરંતુ પેધી ગયેલા કોન્ટ્રાક્ટર પાલિકાની નોટીસને ઘોળીને પી ગયાં હોય તેમ આજ દિવસ સુધી આ મામલે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
સફાઇ કામદારોના ઇપીએફના કરોડો રૃપિયા સલવાયા
સુરેન્દ્રનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સી દ્વારા સફાઇ કામદારોના ઇપીએફની રકમ કાપી જમા કરવા મામલે મોટુ કૌભાંડ આચાર્યું હોય તેવી આશંકા સેવાઇ રહી છે કારણ કે એજન્સી દ્વારા કર્મચારીઓના પગારમાંથી ઇપીએફની રકમ કાપી લેવામાં આચે છે પરંતુ તેના કોઇ ચલણ પાલિકામાં જમા કરાવવામાં ન આવતા કર્મચારીઓને આ રકમ મળતી નથી જેના કારણે ગરીબ સફાઇ કામદારોના ઇપીએફના કરોડો રૃપિયા સલવાયા છે ત્યારે આ મામલે પાલિકા તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તો કર્મચારીઓને ઇપીએફની રકમ સમયસર પરત મળે તેવી શક્યતાઓ છે.