એરંડાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધતા ખેડૂતોની હાલત કફોડી
- ઝાલાવાડ પંથકમાં
રાહત પેકેજ જાહેર કરવાની માગ
- અનિયમીત વરસાદથી
કપાસ, મગફળી સહિતના પાકના ઉત્પાદન પર માઠી અસર
સુરેન્દ્રનગર : ઝાલાવાડ પંથકમાં એરંડાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધતા ખેડૂતોની હાલત કફોડી બની છે. એરંડાના પાકમાં ઈયળના ઉદ્રવના કારણે પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવા માગ કરી છે.
સુરેન્દ્રનગર
જિલ્લામાં ગત ચોમાસામાં વરસાદની શરૃઆત મોડી થઈ હતી. ત્યારબાદ પાછળના સમયમાં અનિયમીત
વરસાદથી ખેડૂતોના કપાસ અને મગફળી સહિતના પાકોને વરસાદ તેમજ જીવાતોના ઉપદ્રવથી નુકસાન
પહોંચ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, વઢવાણ સહિતના તાલુકાના
ગામોમાં ઈયળોનો ઉપદ્રવ વધતા એરંડાના પાકને નુકસાન પહોંચ્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી
દ્વારા ખેડૂતોને રોગના નિયંત્રણ માટે સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લામાં સૌથી વધુ લખતર
તાલુકામાં અંદાજે ૨૫૦૦ હેક્ટર જમીનમાં એરંડાનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ મુળી,
દસાડા અને ધ્રાંગધ્રા તાલુકામાં પણ નોંધપાત્ર વાવેતર થયું છે. પરંતુ ઈયળોના ઉપદ્રવથી
એરંડાના પાકને નુકસાન પહોંચતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો માટે સરકાર દ્વારા
સ્પેશ્યલ પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ માગ ઉઠવા પામી છે.