ઝાલાવાડમાં હર્ષભેર નવી આશા-ઉમંગ સાથે આજે નૂતન વર્ષના વધામણા

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
ઝાલાવાડમાં હર્ષભેર નવી આશા-ઉમંગ સાથે આજે નૂતન વર્ષના વધામણા 1 - image


- સોશિયલ મીડિયા પર શુભેચ્છા આપવાનો ક્રેઝ વધ્યો

- નકટીવાવ, ફાટસર, દૂધરેજ, સાયલા, દૂધઈ, પાટડી અને ચોટીલા ખાતે દેવદર્શન માટે ભક્તોની ભીડ ઉમટશે

સુરેન્દ્રનગર : આજે નવા વર્ષની નવી આશાઓ,નવા વિચારો લઈ ઝાલાવાડમાં ઉત્સાહભેર નૂતન વર્ષની ઉજવણી થશે. ત્યારે ગત વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો પૂરા કરવાની સાથે કડવાસ દૂર કરી સબંધોમાં મીઠાસ કેળવવાની ભાવનાથી જૂનુ મનદુઃખ ભૂલી બેસતા વર્ષને હર્ષો ઉલ્લાસ સાથે વધાવવાનો સંકલ્પ લોકો કરશે. ઝાલાવાડમાં આજે  વડીલોનાં આશિર્વાદ, મિત્રોને શુભકામના પાઠવવાની પરંપરા અકબંધ છે. તેમજ મંદિરોમાં પણ પૂજાપાઠ,અન્નકૂટ તેમજ પ્રસાદ જેવા કાર્યક્રમો હાથ ધરાશે. તો વળી વેપારીઓમાં બરકત માટે પૂજન કરેલા ચોપડામાં વ્યવહારોની નોંધ કરાશે. આમ આજે સમગ્ર માહોલ હિન્દુ ધર્મનાં સૌથી મોટા તહેવાર નૂતનવર્ષની ઉજવણીમાં લીન થઈ જશે.

ત્યારે નવા વર્ષે વહેલી સવારથી જ વઢવાણના નકટીવાવ મેલડી માતાજીનું મંદિર, ગણપતિ ફાટસર મંદિર, દુધરેજ વડવાળા મંદિર, સાયલા લાલજી મહારાજની જગ્યા, દુધઈ વડવાળા મંદિર, પાટડી પીપળીધામ, ચોટીલા ચામુંડા માતાજી મંદિર, વર્ણીન્દ્રધામ પાટડી સહિતના તમામ મંદિરો અને ધાર્મિક સ્થળો પર શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી પડશે. જયારે નાના ભુલકાઓથી લઈને યુવાનો અને મોટેરાઓ હર્ષભેર નવા વર્ષની ઉજવણીનાં ભાગરૂપે એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે. જયારે ર૧મી સદીમાં સોશિયલ મિડિયાનો ક્રેઝ વધી રહ્યો છ. ત્યારે ઝાલાવાડવાસીઓ  ફેસબુક, વોટસઅપ, ટેક્ષ મેસેજ દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે. મોબાઈલનો યુગ આવતાં એકબીજાને રૂબરૂ મળી શુભેચ્છા પાઠવવાની પધ્ધતિમાં ઘટાડો આવી રહ્યો છે. ત્યારે આજનાં યુવાનો અને લોકો સોશિયલ મિડિયાનો વધુ ઉપયોગ કરતાં નજરે પડી રહ્યા છે. 



Google NewsGoogle News